રાજકોટના જીયાણા ગામ નજીક ઓમકાર ગેલ્વેનાઈઝ કારખાનામાં રહેતા પરપ્રાંતીય પરિવારની 4 વર્ષીય બાળકીનું રમતાં રમતાં લોખંડના ગર્ડર વચ્ચે ફસાઈ જતા, તે ગર્ડર માથે પટકાતાં શરીરે ગંભીર ઇજા થઈ હતી. ખાનગી હોસ્પિટલમાં લઈ જતી વેળાએ માસૂમે આંખ મીંચી દેતા પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના જીયાણા ગામ નજીક ઓમકાર ગેલ્વેનાઈઝ કારખાનામાં રહેતા મુકેશભાઈ ભૂરિયાની 4 વર્ષીય પુત્રી શિવાનીનું ગઈકાલે ઘરે રમતી વેળાએ લોખંડના ગર્ડર વચ્ચે ફસાઈ જવાથી ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. લાડકવાયીનાં મોતથી પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો છે. એરપોર્ટ પોલીસના પરાક્રમસિંહ અને કીર્તિરાજસિંહે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક શિવાનીના પિતા વર્ષોથી ઓમકાર ગેલ્વેનાઈઝમાં કામ કરતાં હતા.
કારખાનામાં દીવાલમાં ચણતર કરતી વખતે મૂકવામાં આવતા લોખંડના ગર્ડર બનાવવામાં આવે છે. માતાપિતા સાથે બપોરના જમ્યા બાદ પુત્રી એકલી જઈ રમતી હતી, જે દરમિયાન તેણી બે ગર્ડર વચ્ચે ફસાઈ ગઈ. જેથી લોખંડના ગર્ડર માથે પટકાતાં માસૂમનું મોત નીપજ્યું હતું. મૃતકનો પરિવાર મૂળ એમપીનો વતની છે અને તેણી તેના માતાપિતાના ચાર સંતાનમાં સૌથી નાની હતી.