ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર લોકોની સલામતી માટે ભારે એલર્ટ બન્યું છે અને તેના પરિણામે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાને સંપૂર્ણ સુરક્ષિત બનાવવાની દિશામાં કલેક્ટર પ્રભવ જોશીએ કવાયત હાથ ધરી છે અને તેના ભાગરૂપે રમકડાં, ખાણી-પીણીના સ્ટોલ, રાઇડ્સ અને ચકરડીની સંખ્યામાં 25થી 40 ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત સ્ટોલધારકો અને રાઇડ્સ સંચાલકો ઇન્ટર્નલ વાયરિંગ નહીં કરી શકે, ફાયર એક્સટિંગ્વિસર ફરજિયાત સહિતની શરતોનો ફોર્મમાં જ સમાવેશ કરવા નિર્ણય કરાયો છે.
રાજકોટ શહેરના પ્રાંત અધિકારી ચાંદની પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, સોમવારે લોકમેળાના આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં લોકમેળામાં ભીડ વધી જાય તો તેને નિયંત્રિત કરવા માટેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી. જેમાં ખાસ કરીને પબ્લિકનીએન્ટ્રી-એક્ઝિટ પર સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત લોકમેળામાં લોકોને મહાલવા માટે વધુમાં વધુ જગ્યા મળી રહે તે માટે આયોજન કરાયું છે.
આ ઉપરાંત અત્યાર સુધી સ્ટોલધારકો અને રાઇડ્સધારકો પોતાની જાહેરાત માટે અને ત્યાં જ રહેવા માટે ઇન્ટર્નલ વાયરિંગ કરતા હતા જે કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. હવે તેઓ ઇન્ટર્નલ વાયરિંગ નહીં કરી શકે, તેમજ દરેક સ્ટોલ અને રાઇડ્સ પર ફાયર એક્સટિંગ્વિસર ફરજિયાત કરવામાં આવ્યું છે. લોકમેળામાં ટ્રાફિકનો ધસારો નિયંત્રિત કરવા રાઉન્ડ ધ કલોક ડ્રોનથી બાજ નજર રખાશે અને જો ફરવા આવેલા લોકોનો ધસારો વધશે તો જરૂર જણાયે એન્ટ્રી અમુક સમય માટે બંધ પણ કરાશે.