રાજકોટનો લોકમેળો યાંત્રિક રાઈડ્સની એસ.ઓ.પી.ના પાલનને લઇને વિવાદ ચકડોળે ચઢ્યો છે.વહીવટી તંત્ર દ્વારા એસ.ઓ.પી.ના પાલનમાં કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે તેવી તાકીદ કરી છે. જ્યારે સામે પક્ષે રાઈડ્સ સંચાલકો એસ.ઓ.પી.માં રાહત આપવામાં આવે તેવી માગણી લઇને બેઠા છે.
જોકે એક તબક્કે રાઈડ્સ સંચાલકોએ રાઈડ્સ વગર મેળો નહિ થવા દઈએ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આમ છતાં આ બધાની વચ્ચે રાઈડ્સ માટેના ફોર્મ ઉપડ્યા હતા. જોકે અત્યાર સુધીમાં સ્ટોલ-પ્લોટ, રાઈડ્સ માટેના કુલ 99 ફોર્મ ઉપડ્યા છે. જ્યારે તેની સામે ભરાઈને માત્ર 15 જ આવ્યા છે. આજે ફોર્મ ઉપાડવા માટેનો અંતિમ દિવસ છે.ત્યારે મુદત વધે છે કે તેમ તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે.
આ વખતે લોકમેળામાં આઈસક્રીમના ચોકઠાનું 5 દિવસનું સૌથી ઊંચી રકમનું ભાડું રૂ.4.50 લાખ છે. જ્યારે સૌથી મોટી રાઈડ્સનું ભાડું રૂ.4,20,000 છે. ગત વર્ષની તુલનામાં આ વખતે રમકડાંના સ્ટોલમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે યાંત્રિક રાઈડ્સની સંખ્યામાં એકનો ઘટાડો થયો છે. જ્યારે એફ કેટેગરીની રાઇડમાં પણ ઘટાડો કરાયો છે.
રાજકોટમાં 14થી 18 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે. મંગળવારે રાજકોટ સહિત રાજ્યના 13 આઈ.એ.એસ.ની બદલી થતાં હવે રાજકોટ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે ડો.ઓમ પ્રકાશની નિમણૂક થઈ છે. તેઓ ટૂંક સમયમાં ચાર્જ લેશે. ત્યારે આ વખતે મેળાના સંચાલન-જવાબદારીની વ્યવસ્થા તેના હિસ્સે આવશે. જોકે ફોર્મ ઉપાડવા માટે મુદત વધે છે કે કેમ તે તરફ સૌ કોઈની મીટ મંડાઇ છે.