દર વર્ષની જેમ રાજકોટમાં જન્માષ્ટમીમાં લોકમેળાનું આયોજન કરાયું છે. આ વખતે રેસકોર્સના મેદાનમાં 14થી 18 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે. જોકે એસ.ઓ.પી. સામે રાઈડ્સ સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. એક તબક્કે રાઇડ્સ સંચાલકોએ ફોર્મ નહિ ઉપાડીએ તેવો નિર્ણય કર્યો હતો. જોકે રાઈડ્સ સંચાલકો વચ્ચે બે ભાગ પડી જતા કેટલાક રાઇડ્સ સંચાલકોએ કુલ 37 ફોર્મ ઉપાડ્યા હતા, પરંતુ શનિવારે ફોર્મ ભરાઈને પરત કરવાનો અંતિમ દિવસ હોય ભરાઈને એક પણ આવ્યું નથી. જ્યારે સ્ટોલ- પ્લોટના 238 ફોર્મ સામે ભરાઈને માત્ર 12 જ આવ્યા છે. છેલ્લી ઘડીએ પૂરતા પ્રમાણમાં ફોર્મ ભરાઈને નહિ આવતા વહીવટી તંત્રએ હવે ફોર્મ ઉપાડવાની મુદતમાં 6 દિવસનો વધારો કર્યો છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં દર વર્ષે મેળો થાય છે. ગત વર્ષે ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાંડ થયા બાદ રાઇડ્સ માટે કેટલીક એસ.ઓ.પી. જાહેર કરવામાં આવી છે. આ એસ.ઓ.પી.નો ગત વર્ષે પણ વિરોધ થયો હતો અને આ વર્ષે પણ વિરોધ યથાવત્ રહ્યો છે. ગુજરાત મેળા એસોસિએશન અને ગુજરાત એમ્યુઝમેન્ટ એસો.ના સભ્યોના જણાવ્યાનુસાર આર.સી.સી. ફાઉન્ડેશન અને જીએસટી-વેટના બિલ રજૂ કરવા શક્ય નથી. આથી, જ્યાં સુધી અમારી માગણી સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી રાઈડ્સ સાથેનો મેળો નહિ થવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારી હતી. રાઇડ્સ-પ્લોટ અને સ્ટોલ માટેના 9 જૂનથી ફોર્મ ભરવાનું શરૂ થયુ હતું.13 જૂન ફોર્મ ભરાઈને પરત કરવાની છેલ્લી તારીખ રાખવામાં આવી હતી, પરંતુ ફોર્મ પૂરતા પ્રમાણમાં નહિ ઉપડતા તેની મુદતમાં વધારો કરાયો છે. ફોર્મ ભરીને પરત કરવાની અંતિમ મુદત 19 જૂન રાખવામાં આવી છે. જેમાં 15 જૂન રવિવારની રજાનો દિવસ આવે છે.