રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાનાર ભાતીગળ લોકમેળા માટે જિલ્લા વહીવટી તંત્રે યાંત્રિક રાઇડ્સ માટે રાખેલા નિયમોને કારણે યાંત્રિક રાઇડ્સ માટે ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું મુશ્કેલ જ નહીં, પરંતુ અશક્ય હોવાની રજૂઆત ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, લગભગ રાઇડ્સધારકો અભણ અને નિરક્ષર હોય છે. રાઇડ્સધારકો પાસેની 60 ટકાથી 80 ટકા રાઇડ્સ એસેમ્બલ કરી પ્રાઇવેટ કારખાના કે વર્કશોપમાં કારીગર દ્વારા બનાવવામાં આવી હોય છે. નાની રાઇડ્સ તો લગભગ એસેમ્બલથી જ બનાવી હોય છે. મોટી રાઇડ્સની આવરદા નક્કી ન હોય, રાઇડ્સના પાર્ટસ તૂટતા હોય તો તે બદલાવી રાઇડ્સ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત ટિકિટના દર રૂ.50થી 70 સુધી મંજૂરી આપવા રજૂઆત કરાઈ છે.
હાલના સરકારના યાંત્રિક વિભાગના ફિટનેસ અંગેના નવા નિયમો રાઇડ્સધારકો માટે અનુસરવા મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. તેથી જૂના નિયમો યથાવત્ રાખવા રજૂઆત કરેલ છે. જો આ રીતે નહીં કરવામાં આવે તો રાઇડ્સધારકો આર્થિક રીતે પડી ભાંગશે અને કોઇ સંજોગોમાં આ નિયમોને અનુસરી શકશે નહીં. જેથી મેળાના આયોજન થતા અટકશે. સરકારના પીડબલ્યુડી વિભાગના નવા નિયમો કાયમી પાર્ક માટે બરાબર છે. કેમ કે તેઓને વાર્ષિક ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું હોય, પરંતુ પાંચ કે દસ દિવસના ટેમ્પરરી મેળા માટે આ નવા નિયમોને અનુસરવા અશક્ય છે. તેથી ટેમ્પરરી મેળા માટે જૂના નિયમો યથાવત્ રાખવા માગણી કરી છે.