રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાનાર ભાતીગળ લોકમેળામાં સ્ટોલના ડ્રો થઇ ગયા બાદ યાંત્રિક રાઇડસના પ્લોટોની હરાજી બાબતે હજુ પણ પ્રકરણ ગૂંચવાયેલુ છે. રાજકોટ પ્રાંત કચેરી દ્વારા સોમવારે યાંત્રિક રાઇડસના પ્લોટ સહિતના પ્લોટોની હરાજી રાખવામાં આવી હતી પરંતુ કડક નિયમોના વિરોધમાં રાઇડસ સંચાલકોએ સોમવારે પણ હરાજીમાં ભાગ લીધો ન હતો ત્યારે કલેક્ટર દ્વારા રાઇડસ સંચાલકો અને પ્રાંત અધિકારીને સોમવારે સાંભળ્યા બાદ હવે મંગળવારે નિયમો અંગે ફાઇનલ નિર્ણય કરાશે અને સંભવત: બુધવારે હરાજી થાય તેવી સંભાવના છે.
ટીઆરપી અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટના બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં લોકોની સલામતી પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે અને યાંત્રિક રાઇડસ માટે ફાઉન્ડેશન, ભાવવધારો, સીસીટીવી કેમેરા, એક પ્લોટમાં એક જ રાઇડસ, આર્કિટેક્ટ અને એન્જિનિયરનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ સહિતના અનેક કડક નિયમોની અમલવારી કરાતા યાંત્રિક રાઇડસના સંચાલકોમાંથી ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે અને આ નિયમોની અમલવારી શક્ય ન હોવાનું જણાવી તેઓ લોકમેળાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને આ મુદ્દે પ્રાંત અધિકારીને શનિવારે રજૂઆત બાદ સોમવારે જિલ્લા કલેક્ટરને મળવા ગયા હતા.