લોકમેળામાં અઘોરી ગ્રુપ પણ આકર્ષણ જમાવશે

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટી પડશે. હાલ 234માંથી 143 જેટલા સ્ટોલ અને પ્લોટ ખાલી રહી ગયા છે ત્યારે ખાલી રહેતા પ્લોટ માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જે બાદ પણ સ્ટોલ કે પ્લોટ ખાલી રહેશે તો તે જગ્યાએ અલગ-અલગ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મ્યુઝિકલ ઇવેન્ટ થકી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે. જેમાં અઘોરી ગ્રુપ, અનિરુધ્ધ આહિર, રાજુ જાદવ, રાજ ગઢવી અને અલ્પાબેન પટેલના કાર્યક્રમો યોજાશે. અત્યાર સુધીમાં લોકમેળામાં સ્ટોલ અને પ્લોટના વેચાણ થકી વહીવટી તંત્રને રૂ.1.80 કરોડની આવક થઈ છે.

કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાનમા આગામી તારીખ 14થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમી લોકમેળો યોજાવાનો છે, જેમાં મોટી યાંત્રિક રાઇડ સહિતમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો છે. જોકે, 143 પ્લોટ ખાલી છે તેને માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જેમાં પણ અમને આશા છે કે, મોટાભાગના પ્લોટની ખરીદી વેપારીઓ કરી લેશે. જો ત્યારબાદ પણ તમામ પ્લોટનું વેચાણ નહીં થાય તો ત્યાં સરકારી સંસ્થાઓને સ્ટોલ રાખવા માટેની મંજૂરી આપવામાં આવશે. આ વખતે લોકમેળામાં અઘોરી ગ્રુપ દ્વારા બેન્ડ પરફોર્મ કરવામાં આવશે. આ સાથે જ કચ્છના મ્યુઝિકલ આર્ટિસ્ટ અનિરુદ્ધ આહિરની પણ ઇવેન્ટ યોજાશે. લોકમેળાનું નામ ટૂંક સમયમાં જાહેર કરાશે તો સાથે જ તેની આમંત્રણ પત્રિકા પણ થોડા દિવસ તૈયાર થઈ જશે.

પાંચ દિવસના મેળામાં લોકોની સુરક્ષા માટે પણ તૈયારીઓ શરુ આ ઉપરાંત ભીડ નિયંત્રણ અંગે તેમણે જણાવ્યું હતુ કે, લોકમેળામાં રાખવામાં આવતા સ્ટોલ અને પ્લોટની વચ્ચે એ રીતે જગ્યા રાખવામાં આવશે કે આગ કે અન્ય કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના બને તો તે વખતે ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે તે પ્રકારના ડેડીકેટેડ રસ્તા રાખવામાં આવશે. આ સાથે જ લોકમેળામાં એક સમયે વધુ ભીડ એકઠી થઈ જશે તો અમુક સમય માટે એન્ટ્રી ગેટ ઉપર લોકોનો પ્રવેશ અટકાવી દેવામાં આવશે અને ત્યારબાદ ફરી પ્રવેશ શરૂ કરવામાં આવશે. જેથી, કરીને પાંચ દિવસના મેળા દરમિયાન લોકમેળામાં આવતા લોકોની સુરક્ષા જળવાઈ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *