રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીમાં યોજાયેલો લોકમેળો ભારે વરસાદના કારણે ધોવાઈ જતા 235 સ્ટોલ અને પ્લોટ ધારકોને 100 ટકા રિફંડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મોટાભાગના વેપારીઓને રિફંડનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. જેમાં 80 ટકા વેપારીઓએ રિફંડના ચેક ઉપાડી લીધા છે. હવે માત્ર 20 ટકા વેપારીઓએ રિફંડ લેવામાં બાકી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા વહિવટી તંત્રને લોકમેળામાં 235 સ્ટોલ અને પ્લોટ થકી 3 કરોડ જેટલી કમાણી થઈ હતી. જેમાંથી અત્યારસુધીમાં રૂપિયા 1,82,37,000 જેટલું રિફંડ આપવામાં આવ્યું છે. જ્યારે 1.27 કરોડમાં એક સાથે 31 મોટી રાઇડસ ખરીદતા વિરેન્દ્રસિંહ ગોહિલે જે તે વખતે ફાઉન્ડેશન સહિતના અઘરા નિયમોની અમલવારી સામે હાઇકોર્ટમાં PIL કરી હોવાથી તેમનો કેસ હાલ ચાલુ છે. જોકે, તેઓએ પોતાની PIL પરત ખેંચી લીધી છે. જેથી કેસ પૂર્ણ થયા બાદ રિફંડ આપવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.
સિટી પ્રાંત-1 કચેરી દ્વારા લોકમેળાના વેપારીઓને રિફંડ રકમની ચૂકવણી કરવામાં આવી રહી છે. જેમાં કેટેગરી-બીના સ્ટોલ ધારકોને 44.40 લાખની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ કેટેગરીમાં હવે માત્ર 3.60 લાખની રકમ જ વેપારીઓને ચૂકવવાની બાકી છે. જ્યારે કેટેગરી-સીમાં તમામ વેપારીઓને 2.40 લાખની રકમ ચૂકવી દેવામાં આવી છે. આવી જ રીતે કેટેગરી-જેમાં તમામ વેપારીઓને 75 હજારની રકમ ચૂકવી દેવામાં આવી છે.