રાજકોટ મહાનગરપાલિકાએ મેયર આપના દ્વારે નામે લોકદરબાર શરૂ કર્યો છે. આ કાર્યક્રમની શંૃખલામાં વોર્ડ નં.9માંથી અત્યાર સુધીની સૌથી વધુ 99 ફરિયાદો નોંધાઈ છે. જેમાં સૌથી વધુ ફરિયાદો રોડ-રસ્તા, બાંધકામ તેમજ ગંદકીને લઈને છે. વોર્ડ નં.9ના રહેવાસીઓએ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત જે ફરિયાદો આપી હતી તેમાં વિકલાંગ કર્મચારી સોસાયટીમાં સ્ટ્રીટલાઈટ, મહાદેવ વાડી પાસેની શેરીમાં પેવિંગ બ્લોક નાખવા, ભૂગર્ભ ગટર સફાઈ કરવા બાબત, કિસ્મતનગરમાં કચરાપેટી મૂકવા, અખાદ્ય ચીજોની ચકાસણી વોર્ડ વાઇઝ કરવા, સાધુ વાસવાણી રોડ ઉપર રેંકડીનું દબાણ દૂર કરવા, ભગતસિંહજી ગાર્ડનમાં યુરિનલ બનાવવા, બાપા સીતારામ ચોક પાસે હોકર્સ ઝોન બનાવવા, સોમનાથ સોસાયટીમાં સફાઈ, શિવપરામાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાના પ્રશ્નો, સરકારી કર્મચારી સોસાયટીમાં પરમિશન વગર ગેરકાયદે બાંધકામના પણ પ્રશ્નો આવ્યા હતા. આ ઉપરાંત જાહેર માર્ગ પર રહેલી રેંકડીઓ હોકર્સ ઝોનમાં શિફ્ટ કરવા બાબત, વૃક્ષોનું ટ્રીમિંગ કરવા બાબત પણ ફરિયાદો આવી હતી. વોર્ડ નં.10નો લોકદરબાર શુક્રવારે સવારે 9થી 11 દરમિયાન કવિ શ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ પાર્કિંગ, એસ.એન.કે.સ્કૂલ સામે, આકાશવાણી ચોક, યુનિ.રોડ ખાતે રાખવામાં આવ્યો છે.