રાજકોટ મહાનગરપાલિકાએ મેયર આપના દ્વારે નામનો લોકદરબાર શરૂ કર્યો છે જેમાં વોર્ડ નં.7માં લોકોના પ્રશ્નો સાંભળવાનો વારો હતો જોકે તેમાં કોંગ્રેસના કાર્યકરો આવી જતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે થઈ ગયા હતા અને આક્ષેપબાજી થઈ હતી. થોડીવારમાં કાર્યકરો લોકદરબાર છોડીને જતા રહ્યા હતા.
લોકદરબાર ચાલી રહ્યો હતો તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો રણજિત મુંધવા અને પ્રવીણ રાઠોડ આવ્યા હતા. તેઓએ આક્ષેપ કર્યા હતા કે, લોકદરબારમાં ફક્ત ભાજપના કાર્યકરોને માઈક આપવામાં આવે છે અને લોકોનું ધ્યાન ભટકાવવામાં આવે છે. જેને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને માઈક અપાતા કોંગ્રેસના કાર્યકરોએ અનેક આક્ષેપ કર્યા હતા. આ દરમિયાન વોર્ડના કોર્પોરેટર નેહલ શુક્લ સહિતનાઓએ પણ પોલિટિકલ આક્ષેપબાજીથી ગિન્નાયા હતા.
કોંગ્રેસના કાર્યકરોને કચેરીએ આવીને ચા-પાણી પીને શાંતિથી સાંભળશે તેવું સ્ટેન્ડિંગ ચેરમેને કહેતા ભાજપના હાજર કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે, તેઓ લોકદરબારમાં પ્રશ્ન રજૂ કરે અને કોંગ્રેસને ખાસ ચા-પાણીના શા માટે આમંત્રણ આપવામાં આવે છે.