લેહ હિંસા: સોનમ વાંગચુકે કહ્યું- મને બલિનો બકરો બનાવ્યો

બુધવારે લદ્દાખમાં થયેલી હિંસા માટે કેન્દ્ર સરકારે સોશ્યલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. ગૃહ મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું હતું કે, “વાંગચુકે ભડકાઉ નિવેદનો આપીને લોકોને ઉશ્કેર્યા, હિંસા વચ્ચે પોતાનો ઉપવાસ સમેટ્યા, પરંતુ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવાને બદલે, એમ્બ્યુલન્સમાં પોતાના ગામ જવા રવાના થઈ ગયા હતા.”

મંત્રાલયે કહ્યું, ‘ઘણા નેતાઓએ વાંગચુકને હડતાળ સમેટવા અપીલ કરી હતી, પરંતુ તેમણે હડતાળ ચાલુ રાખી. તેમણે આરબ સ્પ્રિંગ શૈલી અને નેપાળમાં જેન-જી વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા.’

વાંગચુકે 10 સપ્ટેમ્બરના રોજ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ભૂખ હડતાળ શરૂ કરી હતી. બુધવારે, લેહમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓએ કેન્દ્ર સરકાર દ્વારા તેમની અગાઉની માંગણીઓ પૂર્ણ ન કરવાના વિરોધમાં બંધનું આહ્વાન કર્યું હતું. આ હડતાળ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.

વિરોધીઓએ ભાજપ કાર્યાલય અને CRPF વાહનને આગ ચાંપી દીધી. વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ, જેમાં ચાર લોકોના મોત થયા અને 80થી વધુ લોકો ઘાયલ થયા. લગભગ 30 સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા. હિંસા વચ્ચે, વાંગચુકે તેમની ભૂખ હડતાળ સમેટી હતી. વહીવટીતંત્રે લેહમાં કર્ફ્યુ લાદ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *