લૂંટેરી દુલ્હનના જાળમાં રાજકોટનો યુવક ફસાયો

લગ્ન વાંચ્છુક યુવાનોને ભોળવી રૂપિયા પડાવી લેતી ટોળકીએ રાજકોટમાં વધુ એક યુવાનને પોતાની જાળમાં ફસાવ્યો છે. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવાને ફેસબુક પર મેરેજ બ્યુરો જાહેરાત જોઈ સંપર્ક કરતા અમદાવાદની ઠગ ટોળકીએ યુવાનને અમદાવાદ બોલાવી લુંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવી તેની પાસેથી રૂ.2.30 લાખ રોકડ તેમજ ઘરેણાં મળી કુલ રૂ.2.67 લાખ પડાવી લીધા હતા. વર્ષ 2024માં લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન 10 દિવસ યુવક સાથે રહી હતી અને પછી માવતરે રોકાવા જવાનું કહી પરત જ ન આવી હતી. આ પછી યુવકે દુલહનના મામા તેમજ મેરેજ બ્યુરો સંચાલકનો સંપર્ક કરતાં તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે અમદાવાદની ઠગ ટોળકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફેસબુક મારફત જય માડી મેરેજ બ્યુરોનો સંપર્ક કર્યો હતો રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલ બંસીધર પાર્ક શેરી નં.3માં રહેતા વિપુલ ગોપાલભાઈ લાઠીયા (ઉ.વ.37)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના રાજુ ઠક્કર, હસમુખ મહેતા, ચાંદની રમેશ રાઠોડ, ચાંદનીના માતા સુસીલાબેન અને પિતા રમેશ રાઠોડના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે વર્ષ 2023માં ફેસબુક મારફત જય માડી મેરેજ બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને 2024માં જય માડી મેરેજ બ્યુરો વાળા હસમુખભાઈએ મારા લાયક છોકરી છે કહી અમદાવાદ બોલાવી છોકરીના મામા રાજુભાઈ ઠક્કર સાથે વાત કરાવી હતી અને લગ્ન પેટે છોકરીના પરિવારને 2.30 લાખ આપવાના થશે તેમ કહ્યું હતું. આ પછી છોકરી પસંદ આવતાં ચાંદની સાથે લગ્ન કર્યા હતાં અને હસમુખભાઈ મહેતાને રૂ.2.30 લાખ આપ્યા હતાં.

લગ્નના 10 દિવસ બાદ યુવતી દાગીના લઈ માવતરે જતી રહી હતી લગ્ન કરી ચાંદનીને ઘરે લાવ્યા હતાં અને ચાંદનીને સોના-ચાંદીના દાગીના લઈ દીધા હતાં. ચાંદની 10 દિવસ રોકાયા બાદ રીત રીવાજ મુજબ 10 દિવસ માવતરે જવું પડે તેમ કહી તેના માતા પિતા ઘરે આવી તેને તેડી ગયા હતાં. બાદમાં ચાંદનીને પરત મોકલવા માટે ફોન કરતાં રાજુભાઈએ ચાંદનીના દાદી રાજસ્થાનમાં ગુજરી ગયા છે તેવું બહાનું કાઢયું હતું. ત્યાર બાદ ચાંદનીનો અકસ્માત થયો છે તેવું કહી અવારનવાર બહાના કાઢી પરત મોકલતા ન હતા અને બાદમાં છુટાછેડા લેવાનું કહેતા ફરિયાદીએ તેણે આપેલા રૂપિયા અને દાગીના પરત આપવાનું કહેતા રાજુભાઈએ પૈસા નથી આપવા થાય તે કરી લો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાન સાથે રૂ.2.67 લાખની છેતરપિંડી થયાની જાણ થતા પોતે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અમદાવાદની ઠગ ટોળકી સામે ગુાને નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *