રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિવિધ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જે પૈકી રાંદરડા તળાવ રિ-ડેવલપમેન્ટ માટે પણ પ્રક્રિયા શરૂ કરાઈ છે. બીજી તરફ લાલપરી તળાવનું કામ હજુ પણ ચાલુનથી થયું.શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં લાલપરી તળાવના રિ-ડેવલપમેન્ટ માટે ઘણા સમય પહેલાં ટેન્ડર કરાયું હતું. જોકે તેમાં કોઇ એજન્સી તૈયાર ન થતા રિ-ટેન્ડર કરાયું હતું ત્યારબાદથી આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નથી. તેવામાં હવે રાંદરડા તળાવ પર કામ ચાલુ કરાયું છે. જો આ બંને પ્રોજેક્ટ આગળ ધપે તે વિસ્તાર રાજકોટના પર્યટન ક્ષેત્રે નવું કેન્દ્રબિંદુ બની શકે તેમ છે.
રાંદરડા તળાવ, લાલપરી તળાવ, પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ અને હાલ નિર્માણાધીન લાયન સફારી પાર્કને કારણે શહેરીજનો તેમજ અન્ય પ્રવાસીઓ માટે પણ આ બધું જ એક જ સ્થળે હોવાથી પર્યટન માટે લોકપ્રિય બની રહેશે. જોકે આ માટે લેક રિ-ડેવલપમેન્ટ ટેન્ડરમાં એજન્સીઓ આવવી જરૂરી છે. નહીંતર આજી રિવરફ્રન્ટની જેમ જ વર્ષોથી આ પ્રોજેક્ટ માત્ર મહાનગરપાલિકાની ફાઈલ પર જ રહે છે સ્થળ પર કામ થતું નથી. મનપા વિકાસ માટે તૈયારીઓ કરે છે પરંતુ અનેક પ્રોજેક્ટ હજુ માત્ર ચોપડે જ રહ્યા છે.