રાજકોટ શહેર જિલ્લામાં પોલીસને ફટાકડાના સ્ટોલ પર વેપારીઓ નિયમોનું પાલન કરે છે કે કેમ તે ચેક કરવા માટે સૂચના આપી હતી જે દરમિયાન 5 વેપારીઓ લાયસન્સ વગર ફટાકડા વેચાણ કરતા હોવાથી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ શ્રદ્ધા એપાર્ટમેન્ટ પાસે બાલાજી ફટાકડા નામનો ફટાકડાનો સ્ટોર ચલાવનાર શખસ પાસે ફટાકડા વેચવા માટેનું કોઈ લાઇસન્સ ન હોય પોલીસે સ્ટોર સંચાલક વિશાલ ભુપતભાઈ જોગડીયા વિરુદ્ધ જાહેરનામાભંગ અંગેનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ જ વિસ્તારમાં શ્રીજી કોમ્પલેક્ષ કાજલ પાન પાસે પિયુષ ફટાકડા નામનો સ્ટોર ચલાવનાર પિયુષ ભુપતભાઈ ડંડૈયા પાસે પણ ફટાકડાનું લાયસન્સ ન હોય તેની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ભક્તિનગર પોલીસ દ્વારા નેહરૂનગર 80 ફુટ રોડ પટેલ ચોક પાસે દીપ હાર્ડવેરની દુકાનની બાજુમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનાર અશોક રવજીભાઈ દેસાઈ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. જયારે જિલ્લામાં પડધરી પોલીસ સ્ટાફ પડધરીમાં મેઇન બજાર પાસે આશાપુરા કોમ્પલેક્ષ સામે આશાપુરા ફટાકડા સ્ટોલના સંચાલક ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ લાઇસન્સ વગર ફટાકડાનો સ્ટોર ચલાવવા બાબતે જાહેરનામાભંગ અંગેનો ગુનો નોંધ્યો છે તેમજ આ જ વિસ્તારમાં લાઇસન્સ વગર ફટાકડાનો સ્ટોર ચલાવનાર કરણ કરશનભાઇ ગોલતર વિરુદ્ધ પણ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
અન્ય બનાવ
દિવાળી પૂર્વે રાજકોટ શહેર પોલીસ દ્વારા નશાના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા રૂ.1.65 કરોડના કુલ 43323 બોટલ દારૂ અને બિયરના ટીનનો સોખડા નજીક ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર વિસ્તારમાં વર્ષ 2024-25 દરમિયાન પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવાના કોર્ટ હુકમથી અમદાવાદ હાઇવે પર સોખડા અને નાકરાવાડી ગામ વચ્ચે આવેલ સરકારી ખરાબો વાળી જગ્યાએ મુદ્દામાલના નાશ કરવામાં આવ્યો હતો જેમાં શહેરના ઝોન-1 વિસ્તારમાં આવતાં બી. ડિવિઝન, કુવાડવા, એરપોર્ટ, થોરાળા, ભક્તિનગર અને આજીડેમ પોલીસમાં પકડાયેલ 64 ગુનાના 16291 દારૂ-બિયરની બોટલ રૂ.67.06 લાખનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે શહેરના ઝોન-2 વિસ્તારમાં આવતાં પ્રદ્યુમનનગર, એ.ડિવિઝન, ગાંધીગ્રામ, યુનિવર્સીટી, તાલુકા અને માલવીયાનગર પોલીસમાં પકડાયેલ 79 ગુનાની 10877 દારૂ-બિયરની બોટલ રૂ.54.08 લાખનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે કરેલ 24 કેસમાં પકડાયેલ 16155 દારૂ-બીયર રૂ.44.04 લાખના મુદ્દામાલનો પણ સાથે નાશ કરવામાં આવ્યો હતો.