રાજકોટ ડિવિઝનમાંથી ઉપડતી અને લાંબા રૂટની હાલ સાદી બસની સાથે સાથે યાત્રિકોને વધુ સારી અને આરામદાયક સુવિધા આપવા એસટી નિગમે આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે લાંબા રૂટ ઉપર એસ.ટી. નિગમ વોલ્વો અને એ.સી. સ્લીપર કેટેગરીની બસ પણ દોડાવશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ રાજકોટથી અમદાવાદ, ભુજ સહિતના રૂટ ઉપર વોલ્વો અને ભાવનગર, દીવ સહિતના રૂટ ઉપર એસ.ટી. નિગમની એ.સી. સ્લીપર બાદ દોડાવવામાં આવી રહી છે. આ વર્ષે રાજકોટ એસ.ટી. ડિવિઝનને વધુ 100 નવી બસ મળવાની છે તે પણ લાંબા રૂટ ઉપર જ મૂકવાનું આયોજન કરવામાં આવશે.
રાજકોટ ડિવિઝનમાં હાલ આશરે 1000થી વધુ બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ, અંબાજી સહિતના રૂટ ઉપર હાલ એક્સપ્રેસ, ગુર્જરનગરી સહિતની બસ દોડી રહી છે. આ બસની સાથે સાથે હવે પ્રવાસન સ્થળ કે ધાર્મિક સ્થળો ઉપર હવે એસ.ટી. નિગમ પ્રીમિયમ સેવા આપવા વિચારણા કરી રહ્યું છે. એટલે કે તે સ્થળો પર આગામી દિવસોમાં વોલ્વો, એ.સી. સ્લીપર દોડાવવામાં આવી શકે છે. એસ.ટી. નિગમે તાજેતરમાં જ રાજકોટથી નાથદ્વારા વોલ્વો સેવા શરૂ કરી છે. એસ.ટી.ની તાજેતરમાં જ રાજકોટને ફાળવાયેલી વોલ્વોને નાથદ્વારા રૂટ ઉપર દોડાવવામાં આવી રહી છે. એવી રીતે લાંબા રૂટમાં હવે વોલ્વો, એ.સી. સ્લીપર કેટેગરીની પ્રીમિયમ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.