રાજ્ય સરકારમાંથી લાખોની ગ્રાન્ટ મેળવનાર ગાયત્રી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી 75 વર્ષીય ગુણવંત ચુનીલાલ ખીરા અને ધર્મેન્દુ ભાનુશંકર ખીરા દ્વારા આ ટ્રસ્ટના નિવૃત શિક્ષક ભગવાનજીભાઈ અરજણભાઈ કમાણી પાસેથી નિવૃતી બાદ મળવા પાત્ર સવા બાર લાખની રકમ મંજુર કરવા માટે રૂ.3 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેમાંથી રૂ.2 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જે ઘટનામાં તેઓની ચાર્જશીટ બાદની જામીન અરજી ખાસ અદાલતમાં આવી હતી. જોકે, આ જામીન અરજી રદ કરી નાખવામાં આવી છે.
આરોપીએ સહી કરવા 3 લાખની માગ કરી હતી આ કેસની હકિકત એ પ્રકારની છે કે, ફરિયાદી ભગવાનજીભાઈ કમાણી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. નિવૃતિ બાદ તેઓને સરકારમાંથી પેન્શન અને મોંઘવારી ભથ્થાના સવા બાર લાખ રૂપિયા મળવાપાત્ર હતા. નિયમ મુજબ આ રકમના બીલમાં ટ્રસ્ટી ગુણવંતરાય ખીરાની સહી થયા બાદ જ સરકારી ફંડમાંથી રકમ મળી શકતી હતી. ટ્રસ્ટી ગુણવંતરાય ખીરાએ આ બીલમાં સહી કરવા માટે રૂ.3 લાખની લાંચની માંગણી કરી હતી અને તે અર્થે તેઓએ પોતાના ભત્રીજા ધર્મેન્દ્ર ખીરાનો સંપર્ક કરવા જણાવ્યુ હતું. જેથી ફરિયાદીએ ધર્મેન્દ્ ખીરાનો સંપર્ક કરી રકમ ઓછી કરવા જણાવતા રકજકના અંતે આ લાંચની રકમ રૂ.2 લાખ નક્કી થયા હતા. રેઈડના દિવસે ફરિયાદીએ આરોપીના ઘરે જઈને રૂ.2 લાખ આપ્યા હતા, જે તેમના ઘરેથી મળી આવતા રેઈડ સફળ થઈ હતી અને તેઓ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીના વકીલની ખોટી રીતે ફસાવ્યાની કોર્ટમાં રજૂઆત પોલીસ તપાસ પુરી થતા ચાર્જશીટ બાદની જામીન અરજીમાં આરોપીઓ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા સરકારી નોકર ન કહી શકાય. તેઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદો લાગુ કરી શકાતો નથી. આ ઉપરાંત રજૂઆત કરવામાં આવી હતી કે, રેડના દિવસે ફરિયાદી આરોપીના ઘરે જઈને પલંગ પર પાવડરવાળી નોટો ફેંકીને ભાગી ગયા હતા અને આ રીતે ફરિયાદીએ બંને આરોપીને ખોટી રીતે ફસાવ્યા છે.