લગ્ન ન થતાં 19 વર્ષીય યુવકનો આપઘાત

શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બે યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં હોડથલી ગામમાં રહેતા યુવકે લગ્ન ન થવાથી અને જયપ્રકાશનગરના યુવકે અગમ્ય કારણસર ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરની ભાગોળે સરધાર ગામ પાસે આવેલા હોડથલી ગામે મિલનભાઈ રાદડિયાની વાડીમાં ઓરડીમાં રહેતા પ્રવીણભાઈ મેડા (ઉં.વ.19)નામના યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોત નીપજ્યું હતું. બનાવથી મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બનાવની 108 ઇએમટી દ્વારા આજી ડેમ પોલીસને જાણ થતા એઅસઆઈ ડી.એચ.જાડેજા સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના લગ્ન ન થતા હોય જેથી તેણે આ પગલું ભર્યું હોવાનું ખુલ્યું હતું.

જ્યારે અન્ય એક બનાવમાં ભગવતીપરા મેઇન રોડ પર આવેલા જયપ્રકાશનગર શેરી નં.1માં રહેતા પંકજભાઈ ભરતભાઈ ડાભી(ઉં.વ.42)એ વહેલી સવારે ઘરે લોખંડની આડસ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવની 108 ઇએમટી દ્વારા જાણ થતાં બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આપઘાત કરનાર પંકજભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેઓને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. યુવકે ક્યા કારણસર આ પગલું ભર્યું તે સામે ન આવતા પોલીસે તપાસ યથાવત્ રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *