શહેરનાં કોઠારિયા સોલવન્ટ બિલેશ્વર પાર્કમાં ચિરાગભાઈ મકવાણાને તેની પત્ની સાથે ઝઘડો થતાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. યુવકનાં હજુ આઠ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. આ કરુણ બનાવથી યુવકનાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કોઠારિયા સોલવન્ટમાં બિલેશ્વર પાર્કમાં રહેતાં ચિરાગભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.25) નામનાં યુવકે આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે યુવકનાં પરિવારને જાણ થતાં તાકીદે 108 ને જાણ કરતા 108 ની ટીમ બનાવ સ્થળ પર પહોંચી જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ આજીડેમ પોલીસને થતાં તુરંત દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવક બે બહેનમાં એકનો એક ભાઈ હતો.
યુવકનાં હજુ 8 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. બાદ પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં પત્ની છેલ્લાં બે મહિનાથી માવતરે જતી રહી હતી. હાલ પ્રાથમિક તપાસ પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાથી કંટાળી પતિએ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.