રાષ્ટ્રીય મહિલા આયોગે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારને સમન્સ પાઠવ્યો છે. જ્યારે આ જ કેસમાં બપોરે 1 વાગ્યે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એડિશનલ સીપી અને એડિશનલ ડીસીપી નોર્થ સ્વાતિ માલીવાલના ઘરે તેમનું નિવેદન નોંધવા પહોંચ્યા હતા. બિભવ પર આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તનનો આરોપ છે.
ઈન્ડિયા બ્લોકની પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેજરીવાલ અને સંજય સિંહ ગુરુવારે સવારે દિલ્હીથી લખનઉ પહોંચ્યા હતા. લખનઉ એરપોર્ટ પર બિભવ કેજરીવાલ સાથે જોવા મળ્યા હતા. મીડિયાએ કેજરીવાલને સ્વાતિ માલીવાલ કેસ અંગે પ્રશ્નો પૂછ્યા, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. આ દરમિયાન બંને કારમાં સાથે બેઠેલા જોવા મળ્યા હતા.
15 મેના રોજ માલીવાલના પૂર્વ પતિ નવીન જયહિંદે દાવો કર્યો હતો કે સ્વાતિના જીવને ખતરો છે. સ્વાતિ સાથે જે થયું તેનું પ્લાનિંગ કરાયું હતું. નવીને કહ્યું, ‘સ્વાતિએ આગળ આવીને પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ.’ આ સિવાય તેમણે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિશે કહ્યું કે, ‘હું સંજય સિંહની પ્રેસ કોન્ફરન્સ સાંભળી રહ્યો હતો અને હું તેમને કહેવા માંગુ છું કે તેઓ કેમેરાની સામે એક્ટિંગ કરવાનું બંધ કરે, કારણ કે તેઓ આખો મામલો જાણતા હતા.’