શહેરમાં કુવાડવા રોડ પર રોહીદાસપરામાં રહેતા યુવકે અને સંત કબીર રોડ પર રહેતા વૃદ્ધાએ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે પોલીસે કાર્યવાહી કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રોહીદાસપરામાં રહેતા દિનેશભાઇ મનજીભાઇ પરમાર (ઉ.35) એ પોતાના ઘેર લોખંડની આડીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો બનાવની જાણ થતાં તેના પરિવારે નીચે ઉતારી જાણ કરતાં 108ની ટીમના તબીબે પહોંચી યુવકને મૃત જાહેર કર્યો હતો. બી-ડિવિઝન પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં યુવક એક બહેનમાં એકના એક ભાઇ હોવાનું અને અપરિણીત હોવાનું અને મજૂરીકામ કરતો અને કેટલાક સમયથી માનસિક બીમાર હોય અને સારવાર પણ ચાલુ હોવાનું તેમજ મગજ ભમતો હોય પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.
જ્યારે સંત કબીર રોડ પાસેની રાજારામ સોસાયટીમાં રહેતા કુંવરબેન રામસીંગભાઇ સોલંકી (ઉ.90) એ પોતાના ઘેર ડેલામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા થોરાળા પોલીસે વૃદ્ધાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસડી વૃદ્ધાના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.