રાજકોટના રૈયા રોડ પર બાપા સીતારામ ચોક નજીક આવેલા રૈયા સર્વે નં.156ની યુએલસી ફાજલની 23 હજાર ચો.મી.થી વધુ અબજો રૂપિયાની સરકારી જમીનમાં દબાણનો પર્દાફાશ કર્યા બાદ પશ્ચિમ મામલતદાર તંત્ર એક્શનમાં આવ્યું હતું અને અગાઉ 5 હજાર ચો.મી.માંથી દબાણ તોડી પડાયા બાદ હવે વધુ 19 દબાણકારોને નોટિસ આપી સ્વૈચ્છાએ દબાણ દૂર કરવા 15 દિવસનો સમય આપ્યો છે.
રાજકોટના રૈયા રોડ પર સર્વે નં.156ની યુએલસી ફાજલની જમીનમાં દબાણ અંગે તલાટી મંત્રી પાસે સર્વે કરાવી 29 દબાણકારોને નોટિસ આપી હતી. જેમાંથી ચાર આસામીઓ પાસે મિલકતના આધાર પુરાવા હોય તેમને બાદ કરતાં બાકીના દબાણકારોને સ્વૈચ્છાએ દબાણ દૂર કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. આમ છતાં દબાણકારોએ દબાણ દૂર ન કરતા પશ્ચિમ મામલતદાર અજીત જોશીએ 6થી વધુ દબાણકારોના કબજામાં રહેલી 5000 ચો.મી. જમીન પર ખડકાયેલાં દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું અને રૂ.45 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવી હતી.