રાજકોટના રૈયા રોડ પર વૈશાલીનગરમાં ગુરુવારે બપોરે 11.45 વાગ્યે ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં ગુજરાત ગેસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ગેસનો સપ્લાય અટકાવી રિપેરિંગ કામ હાથ ધર્યું હતું અને બપોરે 2 વાગ્યે ગેસ ચાલુ કરી દીધાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગેસની પાઇપલાઇનમાં ભંગાણથી પુરવઠો ખોરવાતા 100થી વધુ ઘરમાં બપોરે ચૂલો સળગ્યો ન હતો અને બપોરની રસોઇ બની ન હતી. આ ઘટનાથી વૈશાલીનગરમાં ભારે દેકારો બોલી ગયો હતો અને મહિલાઓ ઘરની બહાર નીકળી આવી હતી. ગુજરાત ગેસ દ્વારા આ પાઇપલાઇન કઇ એજન્સીના કામને કારણે તૂટી હતી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.