રાજકોટ શહેરમાં સરકારી ખરાબાની અને યુએલસી ફાજલ જમીનો પર વ્યાપક પ્રમાણમાં દબાણો ખડકાઈ ગયા છે ત્યારે ગરુવારે રાજકોટ શહેરમાં પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા સરવે નંબર 318માં અલગ અલગ ત્રણ સ્થળે સરકારી જમીન પર ઊભા થયેલા દબાણ હટાવવામાં આવ્યા હતા.
રૈયા સ્મશાન નજીક સરકારી જમીનમાં લકી ડોગ હોસ્ટેલ, શીતલ પાર્ક નજીક શાસ્ત્રીનગરમાં બાલાજી ગૃહ ઉદ્યોગ નામનું ખજૂરનું કારખાનું તેમજ રૈયા રોડ પર ઓમ રેસિડેન્સી પાસે અગાઉ હાથ ધરવામાં આવેલ ઓપરેશન ડિમોલિશન બાદ પણ અહીં પશુ બાંધવા માટેનો શેડ બનાવી લેવાયો હોય ત્રણેય સ્થળે મળી કુલ રૂ.20 કરોડની કિંમતની 2400 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવાઈ હતી. લકી ડોગ હોસ્ટેલ મામલે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ થઇ હતી.
બીજી તરફ રાજકોટ દક્ષિણ મામલતદાર દ્વારા પણ મવડી રેવન્યુ સરવે નંબર 194 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં ભલાભાઈ અમરાભાઇ નામના આસામીએ 600 ચોરસમીટરમાં પાકું બાંધકામ કરી દબાણ કરી નજીકમાં જ અન્ય કાચા ઝૂંપડાંના 800 ચોરસમીટર જેટલા દબાણો હટાવી 1400 ચોરસમીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી. દક્ષિણ મામલતદારના જણાવ્યા મુજબ અહીં પ્રતિ ચો.મી. જમીનના અંદાજે 60 હજાર ગણતા ઓપરેશન ડિમોલિશન બાદ રૂ.8.40 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હતી.