રાજકોટના રૈયા ગામે 400 ચોરસ મીટર જમીન ઉપર પશુઓ રાખવા માટેના સ્લોપ, રૈયા સ્મશાન પાછળ 2000 ચોરસ મીટરમાં ડોગ હોસ્ટેલ અને 400 ચોરસ મીટર જમીન પર ખજૂરનું કારખાનું સરકારી જગ્યા પર ગેરકાયદે ઊભું થઈ ગયુ હતું. જોકે રાજકોટ જિલ્લા વહિવટી તંત્રને ધ્યાને આવતા કલેકટરના આદેશથી પશ્ચિમ મામલતદાર અને તેમની ટીમ દ્વારા રૂ.20 કરોડની 2000 ચોરસ મીટર જમીનના બાંધકામ પર બુલડોઝર ફેરવી દબાણ હટાવવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશની સૂચના અને પ્રાંત અધિકારી ડો.સી.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ રૈયા ગામ પાસે આવેલ સરકારની માલિકીના ફાઇનલ પ્લોટ પર એક ભરવાડ દ્વારા પશુઓને બાંધવા માટેનો ઢાળીયા એટલે કે સ્લોપ બનાવ્યા હતાં. 400 મીટર જગ્યા પર થયેલું દબાણ બુલડોઝર ફેરવી હટાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૈયા સ્મશાન પાછળ સરકારની માલિકીની 1200 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર કબજો કરી ડોગ હોસ્ટેલ ઉભી થઈ ગઈ હતી. જે પણ દૂર કરવામાં આવ્યુ હતુ.