શહેરમાં વ્યાજખોરો સામે પોલીસ લોકદરબાર યોજીને વ્યાજખોરી ડામી દીધાના દાવા કરે છે પરંતુ વાસ્તવિક્તા એ છે કે લોકદરબાર એ પણ એક કાર્યક્રમ જેવું બની ગયું છે, શહેરમાં રેસ્ટોરન્ટ ચલાવતાં યુવકે રૂ.1 લાખ વ્યાજે લીધા હતા જેની સામે રૂ.2.45 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ રૂ.2 લાખની માંગ કરી યુવકને ઢોર મારમાર્યો હતો.
જામનગર રોડ પરના પરસાણાનગરમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા અને બજરંગવાડી સર્કલ પાસે રેસ્ટોરન્ટ ચલાવતા જગદીશભાઇ રાજેશભાઇ તનિયા (ઉ.વ.28)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાહરૂખ વિકિયાણી, સમીર મુનાફ જુણેજા અને અલ્ફાઝના નામ આપ્યા હતા. જગદીશભાઇ તનિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધંધા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં જુલાઇ-2022માં મિત્ર શાહરૂખ વિકિયાણી પાસેથી રૂ.1 લાખ વ્યાજે લીધા હતા, એડવાન્સમાં વ્યાજ કાપીને શાહરૂખે રૂ.90 હજાર આપ્યા હતા અને દર મહિને વ્યાજખોર રૂ.10 હજાર વ્યાજ વસૂલતો હતો.