રેસકોર્સમાં બનશે બોક્સ ક્રિકેટ, નાયબ કમિશનરને રૂ.10 લાખના ખર્ચની સત્તા

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દર વર્ષની જેમ આ વખતે પણ ધનતેરસે મુહૂર્ત સાચવવા માટે મળશે જેમાં વિકાસ, લોકોના મનોરંજન અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવનાર છે. મહાનગરપાલિકાના નાયબ કમિશનરોને હવે 10 લાખ રૂપિયા સુધીના ખર્ચ કરવા માટે સ્ટેન્ડિંગની મંજૂરી લેવાની જરૂર રહે નહિ તેમજ આટલી કિંમતના ટેન્ડર કરી શકે તેવી સત્તા આપવા માટે મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકી છે. આ દરખાસ્ત મંજૂર થતા નાના મોટા કાર્યક્રમો તેમજ આકસ્મિક ખર્ચાઓ માટે હવે સ્ટેન્ડિંગ કમિટીમાં પાછોતરા બિલ મૂકવાની જરૂર નહિ રહે. આ ઉપરાંત વહીવટી કામગીરીમાં પણ ઝડપ આવશે.

શહેરમાં હાલ બોક્સ ક્રિકેટની ખૂબ બોલબાલા વધી છે જેને લઈને મનપા પણ શહેરમા અલગ અલગ જગ્યાએ બોક્સ ક્રિકેટની સુવિધા ઊભી કરી રહી છે જેથી લોકોને મનોરંજન મળી રહે. પ્રથમ તબક્કે રેસકોર્સમાં બોક્સ ક્રિકેટ બનાવવા માટે મંજૂરી આપવામાં આવશે. જ્યારે સુવિધા માટે વોર્ડ નં.13માં પાણીની નવી લાઈન, વોર્ડ નં.14માં કેવડાવાડી શેરી નં. 22ને જોડતો પુલ, વોર્ડ નં.18માં ઢેબરભાઈ રોડ પર ડામર કાર્પેટિંગ કરવાનું કામ સહિત કુલ 49 દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *