રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આગામી 10 જાન્યુઆરીનાં રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના રોડ-શોને લઈને કાર્યક્રમનાં સ્થળ અંગે અસમંજસ હતી. જોકે વડાપ્રધાનનો રોડ-શો કેન્સલ થતા અંતે રેસકોર્સ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પતંગ મહોત્સવમાં જુદા-જુદા 21 દેશોના અને દેશના વિવિધ રાજ્યોનાં પતંગવીરો ભાગ લેશે અને પતંગબાજી દ્વારા આકાશ ગાજવશે. આજે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટનાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને શહેરના પ્રભારી મંત્રી જીતુ વાઘણીનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવનાર છે.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરીને શનિવારના રોજ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ સ્થિત કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક ફલક પર લઈ જવા વડાપ્રધાન મોદીએ શરૂ કરાવેલી પરંપરાને જાળવી રાખતા આ વર્ષે રાજકોટમાં પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવનો પ્રારંભ સવારે 9:00 કલાકે થશે, જેમાં દેશ-વિદેશના ખ્યાતનામ પતંગવીરો પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે.