એક સમયે જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમાતા હતા તે રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનો ઉપયોગ હવે નહીંવત થઇ જતા આવક કરતાં મેન્ટેનન્સ પાછળ મહાનગરપાલિકાએ લાખો રૂપિયાનું આંધણ કરવું પડે છે. આ સંજોગોમાં હવે મહાનગરપાલિકાએ ક્રિકેટ સ્ટેડિયમને અલગ-અલગ હેતુ માટે ભાડે આપવાનો નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચો તથા અન્ય ઇવેન્ટો યોજી શકાય તે પ્રકારની કાયાપલટ કરવા નિર્ણય કરાયો છે અને તેના માટે રૂ.4.83 કરોડ ફાળાવાયા છે અને રૂ.5.71 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમના નવીનીકરણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
મનપાના બજેટમાં જ ક્રિકેટ સ્ટેડિયમને આધુનિક બનાવવાનો અને અલગ-અલગ કાર્યક્રમો માટે ભાડે આપવાનો નિર્ણય લેવાયો હતો. હાલમાં રેસકોર્સમાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં 3 માળનું વર્ષો જૂનું પેવેલિયન આવેલું છે. જેને તોડી પાડી જૂના બિલ્ડિંગની જગ્યાએ ચાર માળનું આધુનિક પેવેલિયન તૈયાર કરવામાં આવશે. જેના માટે રૂ.4.83 કરોડ ફાળાવાયા છે અને જીએસટી સહિત કુલ ખર્ચો રૂ.5.71 કરોડ થવાનો અંદાજ હોય તે મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ક્રિકેટ સ્ટેડિયમનો નવીનીકરણનો પ્રોજેક્ટ પૂરો થયા બાદ લગ્ન સમારંભો સહિતના અલગ-અલગ ફંક્શનો માટે મેદાન ભાડે અપાશે. જેના પરિણામે ક્રિકેટ મેદાનનો ખો નીકળી જવાની ભીતિ પણ સેવાઇ રહી છે. પેવેલિયનના નવીનીકરણની ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવી છે અને બીડ ઓપન થયા બાદ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરવામાં આવશે.
બિલ્ડિંગમાં ખેલાડીઓ માટે ચેન્જિંગ રૂમ, જીમ સહિતની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. તેમજ સિવિલ વર્ક પાછળ રૂ.3.88 કરોડ, પ્લમ્બિંગ વર્ક માટે રૂ.9.51 લાખ, ફાયરના સાધનો માટે રૂ.20.49 અને નવી લાઇટિંગ પાછળ રૂ.56.14 લાખનો ખર્ચ કરાશે.