રેલવે ડિવિઝન દ્વારા જામનગર–લાખાબાવલ ડબલિંગ લાઈનનું સુરક્ષા નિરીક્ષણ સફળ

પશ્ચિમ રેલવે રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટી અને ક્ષમતા વધારવા માટે હાથ ધરવામાં આવેલા રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટમાં આજે એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જામનગરથી લાખાબાવલ વચ્ચેના આશરે 10 કિલોમીટરના રેલ સેક્શનમાં નવનિર્મિત અપ અને ડાઉન મેઈન લાઈનનું સુરક્ષા નિરીક્ષણ રેલ સુરક્ષા કમિશનર (CRS) ઈ. શ્રીનિવાસ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ નિરીક્ષણ બાદ હવે આ રૂટ પર ટ્રેનોની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે.

રેલવે સુરક્ષા કમિશનરના આ નિરીક્ષણ દરમિયાન નવી રેલ લાઈનોની મજબૂતી, સ્થિરતા અને ટેકનિકલ માપદંડોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે અપ અને ડાઉન બંને લાઈનો પર 120 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે સ્પીડ ટ્રાયલ યોજવામાં આવ્યું હતું. આ હાઈ-સ્પીડ પરીક્ષણ સફળ રહેતા રેલવે તંત્રમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત, સમગ્ર સેક્શનનું મોટર ટ્રોલી દ્વારા પણ વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું છે જેથી પાટા અને સિગ્નલિંગ સિસ્ટમની ચોકસાઈની ખાતરી કરી શકાય.

આ મહત્વપૂર્ણ અવસરે મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ) પ્રદીપ ગુપ્તા અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના સહિત બાંધકામ સંગઠન અને ડિવિઝનના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓના મતે, આ સફળ પરીક્ષણ એ નવી લાઈન પર સુરક્ષિત – ઝડપી ટ્રેન સંચાલન કરવાની દિશામાં એક મોટું પગલું છે. જેનાથી મુસાફરો અને માલસામાનના પરિવહનમાં ક્રાંતિ આવશે. હવે અપેક્ષા છે કે આ સેક્શનમાં નિયમિત રેલ સેવાઓ બંને લાઈનો પર 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શરૂ કરવામાં આવશે. જેનાથી અત્યાર સુધી સિંગલ લાઈનને કારણે ટ્રેનોના ક્રોસિંગમાં જે સમય વેડફાતો હતો તેમાં મોટો ઘટાડો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *