રેલવેમાં સફાઇમાં કોન્ટ્રાક્ટ અને નોકરીના નામે 5 લોકો પાસેથી 6.97 લાખ પડાવાયા

રાજકોટના એક યુવકને રેલવેમાં સફાઇનો કોન્ટ્રાક્ટ અપાવવાનું કહી ટેન્ડરના નામે તેની પાસેથી વાંકાનેરના શખ્સે રૂ.5,74,200 પડાવ્યા હતા તો અન્ય ચાર યુવકને રેલવેમાં કોન્ટ્રાકટ પર નોકરી અપાવવાનું કહી તેમની પાસેથી પણ નાણાં ખંખેર્યા હતા. અંતે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

જૂના માર્કેટિંગયાર્ડ પાસેની માલધારી સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતાં કલ્પેશ દીપકભાઇ જોષી (ઉ.વ.25)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા રૂષિત અરવિંદ વ્યાસનું નામ આપ્યું હતું. કલ્પેશ જોષીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.18 ડિસેમ્બર 2024ના પોતે તથા પાડોશમાં રહેતા મિત્રો બેઠા હતા ત્યારે મિત્ર આશુતોષ પરમારે કહ્યું હતું કે, સ્મિત વ્યાસના સંબંધી રૂષિત વ્યાસ કે જે અગાઉ રેલવેમાં કોન્ટ્રાક્ટબેઇઝ પર નોકરી કરતો હતો તે રેલવેમાં કોન્ટ્રાક્ટ પર નોકરી પર રખાવે છે અને સફાઇના કોન્ટ્રાક્ટ પણ અપાવે છે. રેલવેમાં સફાઇનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે કલ્પેશ જોષીને ઇચ્છા થતાં તેણે રૂષિતનો સંપર્ક કરતાં રૂષિત વ્યાસે ટેન્ડર જોઇતું હોય તો રૂ.45 હજાર થશે તેમ કહેતા કલ્પેશે એ જ સમયે રૂ.22 હજાર ઓનલાઇન આપી દીધા હતા અને બાકીની રકમ રૂષિતે જ બાદમાં આપવાનું કહ્યું હતું. કલ્પેશે કટકે કટકે કુલ રૂ.5,74,200 ચૂકવ્યા હતા. પરંતુ તેને રેલવેની સફાઇનો કોન્ટ્રાક્ટ મળ્યો નહોતો.

કલ્પેશે તપાસ કરતાં રૂષિત વ્યાસે રેલવેમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવાનું કહી સ્મિત પાસેથી રૂ.12 હજાર, આશુતોષ પાસેથી રૂ.12960, દિલીપ પાસેથી રૂ.8290 અને સુનિલ પાસેથી રૂ.89650 પડાવ્યા હતા. આમ વાંકાનેરના રૂષિતે કોન્ટ્રાક્ટ અને હંગામી નોકરી અપાવવાની લાલચ આપી કુલ રૂ.6,97,100ની છેતરપિંડી આચરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *