રાજકોટ-જામનગર હાઇવે પર બનેલા સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74.32 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ફોરલેન બ્રિજના બાકી કામમાં વિલંબ થયો છે. હાલમાં બ્રિજની 80 ટકા કરતા વધુ કામગીરી પુરી થઈ છે. જોકે રેલવેની મંજૂરીનાં અભાવે હાલ કામગીરી અટકી છે. આ મંજૂરી મળ્યા બાદ જ આગળની કામગીરી થઈ શકે તેમ હોવાથી માર્ચ-2026ની ડેડલાઇનનાં બદલે હવે આ કામ એપ્રિલ-2026નાં અંતમાં પૂર્ણ થાય તેવી શક્યતા મેયર નયનાબેન પેઢડીયાએ વ્યક્ત કરી છે.
હાલમાં હાઇવેનો ટ્રાફિક શહેરના અન્ય વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે ભારે ટ્રાફિકજામ અને અસુવિધા સર્જાઈ છે. આ સમસ્યા એક મહિનો વધુ લંબાય તેવી શક્યતા છે. અગાઉ જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી સ્ટે. ચેરમેને આપી હતી. ત્યારબાદ માર્ચ અંતમાં કામ પૂર્ણ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જોકે હવે કામ એપ્રિલનાં અંત સુધી ચાલે તેવી પુરી શક્યતા છે.
પ્રાપ્ત વિગત મુજબ, મોરબી દુર્ઘટના બાદ અસલામત જાહેર કરાયેલા અને પાંચ દાયકા જૂના ટુ-લેન સાંઢીયા પુલને તોડીને નવો ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી ચેતન કન્સ્ટ્રકશન કંપનીને 14 માર્ચ, 2024ના રોજ સોંપવામાં આવી હતી. પુલની કામગીરી પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા માર્ચ 2026 નક્કી કરાઈ હતી. જોકે જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂરું કરવાની ખાતરી અગાઉ સ્ટેન્ડિગ ચેરમેન જયમીન ઠાકરે આપી હતી. પરંતુ રેલવેની મંજૂરી નહીં મળતા કામગીરી ધીમી પડી હતી. અને બાદમાં માર્ચ-2026નાં અંત સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું.