રેલનગર બ્રિજનાં રીપેરીંગનો 54 લાખનો ખર્ચ પાણીમાં!

રાજકોટનાં વોર્ડ નં.3ના રેલનગરમાં જવા માટે 2017માં મનપા દ્વારા રૂ. 17 કરોડનાં ખર્ચે અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે તેમાં વગર વરસાદે પણ પાણી ભરાવાની સમસ્યા કાયમી બની હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા ગતવર્ષે મહાપાલિકાએ તેનું રોપેરીંગ કામ રૂ. 54 લાખના ખર્ચે કર્યું હતું. આ માટે અઢી મહિના સુધી બ્રિજમાં અવરજવર પણ બંધ કરવામાં આવી હતી જોકે આ 54 લાખ રૂપિયા પાણીમાં ગયા હોય તેમ હાલ પણ વગર વરસાદે અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદ નહીં છતાં આ બ્રિજમાં પાણીની નદીઓ વહી રહી છે. જેને લઈને તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.આ મામલે મનપાના એન્જિનિયરે કહ્યું હતું કે, જમીનમાંથી આવતું પાણી બંધ કરવા કામગીરી કરવામાં આવી હતી. સાઈડમાંથી જે પાણી આવે છે તે બંધ કરીએ તો દીવાલ નબળી પડી જાય.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં રેલનગર તેમજ તેની આસપાસના વિસ્તારમાં 1 લાખથી વધુ લોકો વસવાટ કરે છે. વિસ્તારના લોકોને બહાર અવરજવર કરવામાં સરળતા રહે તે માટે વર્ષ 2017માં રૂ. 17 કરોડના ખર્ચે અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં કોઈ ક્ષતિ રહી જતા વગર વરસાદે પાણી ભરાઈ જતું હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે મનપા દ્વારા આ સમસ્યા ઉકેલવા માટે પ્રેસર ગ્રાઉટિંગનું કામ કરવાનો નિર્ણય થયો હતો. અને ગત તા. 27 સપ્ટેમ્બર-2024થી બ્રીજ આ કામ માટે બંધ કરી રૂ. 54 લાખના ખર્ચે કામ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ તા.27 નવેમ્બરે બ્રીજ ખુલ્લો મુકવામાં આવનાર હતો. જોકે કામ પૂર્ણ નહીં થતા 11 ડિસેમ્બર-2024નાં આ બ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન બ્રીજમાં પાણી ન ભરાય તે માટેની તમામ વ્યવસ્થા કર્યાનો દાવો મનપા તંત્રએ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *