રાજકોટ શહેરનો વ્યાપ જેટગતિએ વધી રહ્યો છે ત્યારે માનવી ત્યાં સુવિધાના સૂત્રને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.3ને લાગુ મોરબી રોડ રેલનગર વિસ્તારના સાધુ વાસવાણી કુંજ રોડ પર અદ્યતન શાકમાર્કેટ અને ફૂડ ઝોન બનાવવાનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકાએ રૂ.4.45 કરોડનો ખર્ચ નિર્ધારિત કરી તેના માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે.
શહેરના મોરબી રોડ પર રેલનગર વિસ્તારનો ખૂબ જ ઝડપી વિકાસ થઇ રહ્યો છે અને ત્યાં હાઇરાઇઝ બિલ્ડિંગો, લો-રાઇઝ બિલ્ડિંગો, ટેનામેન્ટો, બંગલાઓ સહિત સંખ્યાબંધ પ્રોજેક્ટો નિર્માણ પામ્યા છે અને હાલમાં પણ સંખ્યાબંધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં રહેણાક પ્રોજેક્ટો મોટી સંખ્યામાં વિકાસ પામ્યા હોય અને અનેક સોસાયટી ડેવલપ થઇ હોય ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા સાધુ વાસવાણી કુંજ રોડ પર શાકમાર્કેટ બનાવવાની માંગ કરવામાં આવતી હતી. હાલમાં મુખ્ય માર્ગો પર ભરાતી શાકમાર્કેટને કારણે ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આ વિસ્તારમાં હેતુફેર માટે રાખવામાં આવેલા પ્લોટનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર મનપાના વિશાળ ખાલી પ્લોટમાં શાકમાર્કેટ બની શકે તેમ જણાતા અધિકારીઓ અને પદાધિકારીઓએ આ વિસ્તારમાં અદ્યતન શાકમાર્કેટ બનાવવા આયોજન કર્યું છે.
આ ઉપરાંત પ્લોટ વિશાળ હોય લોકોને શાકમાર્કેટની સાથોસાથ ખાણીપીણીની આધુનિક સુવિધા મળી રહે તે માટે મેટ્રો શહેરની જેમ ફૂડ ઝોન પણ બનાવવા નિર્ણય કરાયો છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા રૂ.4.45 કરોડનો ખર્ચ નક્કી કરી તે મુજબ ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે.