રેલનગરમાં પાર્કિંગના મામલે મહિલાની છેડતી કરી તેના પતિ પર ટોળાંએ હુમલો કર્યો

રાજકોટ શહેરમાં બેફામ બનેલી ગુંડાગીરીને નાથવામાં નિષ્ફળ ગયેલી પોલીસ રાત્રીના વેપારીઓ અને શહેરીજનો પર દંડા ઉગામી રહી છે, પોલીસની નિષ્ફળતાને કારણે શુક્રવારે રાત્રીના રેલનગરમાં માથાભારે પિતા-પુત્રએ ભડાકા કરી આતંક મચાવ્યો હતો, પાર્કિંગના મુદ્દે થયેલી તકરારમાં માથાભારે વૃધ્ધે મહિલાની છેડતી કરી હતી અને ત્યારબાદ તેના પતિ પર હિચકારો હુમલો કરી ફાયરિંગ કરતા હોબાળો મચી ગયો હતો.

રતનપરમાં રહેતા અને કાર લે વેંચનો ધંધો કરતાં સંજયભાઇ અભેસિંહભાઇ રાઠોડ (ઉ.વ.40) શુક્રવારે રાત્રીના રેલનગરની અમૃત રેસિડેન્સી-3માં તેના ભાઇના ઘરે હતા અને ત્રણ દિવસ પહેલા થયેલી માથાકૂટમાં સમાધાન માટે ગયા હતા ત્યારે એ વિસ્તારના ગોવિંદ ચાવડા અને તેના પુત્ર જીતુ રાઠોડ સહિતનાઓએ હુમલો કર્યો હતો, હુમલામાં ઘવાયેલા સંજયભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઘટના અંગે સંજયભાઇ અને તેના પત્ની મીરાબેને જણાવ્યું હતું કે, રેલનગરમાં તેમના ભાઇના ઘરે સપ્તાહનું આયોજન હોય પાંચેક દિવસથી તે ત્યાં હતા, ત્રણ દિવસ પહેલા ઘર પાસે વાહન પાર્ક કરવાના મુદ્દે ગોવિંદ ચાવડા અને તેના પુત્ર જીતું સાથે બોલાચાલી થઇ હતી.

બીજા દિવસે કોઇ મધ્યસ્થી અંગે વાત કરવા મીરાબેન ગોવિંદ ચાવડાના ઘરે ગયા હતા ત્યારે 70 વર્ષના ગોવિંદે તેમની છેડતી કરી હતી, જેથી મામલો વધુ બિચક્યો હતો.

શુક્રવારે રાત્રે દસેક વાગ્યેસંજયભાઇ સમાધાન માટે ગોવિંદ ચાવડાની ફાયનાન્સની ઓફિસે ગયા હતા ત્યારે અગાઉથી જ ઓફિસમાં હાજર દસેક શખ્સોએ તેમની ધોલાઇ શરૂ કરી હતી મારતા મારતા ચોકમાં લઇ આવ્યા હતા, ત્યારબાદ અમૃત રેસીડેન્સીના બંને ગેઇટ બંધ કરી ચાવડા પિતા-પુત્ર તરફેના ટોળાએઆતંક મચાવ્યો હતો અને હવામાં ફાયરિંગ પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *