નવા થોરાળામાં અવધ પાર્ક શેરી નં.3માં રહેતાં હેમાંગ ગીરીશભાઈ રાઠોડ (ઉ.વ.21)એ આજે સવારે પોતાના ઘરે ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે પહોંચી નિવેદન નોંધી તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક ભાવેશ બથવારની કાર સેલ્ફ ડ્રાઈવમાં ભાડે લઈ ગયો હતો જે કારનો કાલાવડ રોડ પર થાંભલા સાથે અકસ્માત સર્જાયો હતો, જેથી ભાવેશ બથવારે કારમાં થયેલી નુકસાનીના રૂપિયા 70 હજાર માંગતાં હેમાંગે વિમો પકાવી લેવાનું કહ્યું હતું. જોકે, ભાવેશ રૂપિયા 70 હજાર માંગતો હોય જેથી તેણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.
રેલનગરમાં નેપાળી યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત રાજકોટના સંતોષીનગરમાં રહેતાં લોકબહાદુર બહાદુરભાઇ બુધ્ધા (ઉ.વ.43) નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતાં 108ના તબીબે તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર લોકબહાદુરને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોતે હોટેલમાં કૂક તરીકે કામ કરતાં હતાં સાંજે પત્ની બહારના ઘરકામ કરીને પોતાના ઘરે આવ્યા ત્યારે પતિ લટકતાં જોવા મળતાં દેકારો કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં. પ્રાથમિક તપાસમાં માનસિક તણાવને કારણે પગલુ ભર્યાનું સામે આવ્યું છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા નેપાળી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
નવી બનતી સાઈટ પર પહેલા માળેથી પટકાતા શ્રમિકનું મોત રાજારામ સોસાયટી શેરી નંબર 1માં નવા બાંધકામની સાઇટ ચાલુ હોય ત્યાં પહેલા માળે મુળ ઓરીસ્સાનો હીમાસેન રામેશ્વર તરીયા (ઉ.વ.34) નામનો મજુર કામ કરતો હતો, ત્યારે અકસ્માતે પગ લપસતાં નીચે પડી જતાં માથામાં ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાન પરિણીત હતો અને તેના પત્ની, માતા-પિતા સહીત પરિવાર વતનમાં રહે છે. પોતે એકલો અહિ રહી મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે.