રેતી ઠાલવતા ટ્રેક્ટરને બ્રેક ન લાગી પ્લાન્ટનો ભાગીદાર જ દબાઈ ગયો

વીંછિયા તાલુકાના થોરીયાળી ગામ નજીક ગોમા નદીના કાંઠે ચાલતા રેતી ધોવાના પ્લાન્ટ પર અકસ્માત સર્જાયો હતો અને રેતી ઠાલવવા જતા ટ્રેક્ટરને બ્રેક ન લાગતાં ટ્રેક્ટર પ્લાન્ટના ભાગીદાર પર જ ફરી વળ્યું હતું અને ભરતભાઇ રૂગનાથભાઈ કોરડીયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે આ પ્લાન્ટ ગેરકાયદેસર હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે સવાલ એ થાય કે જો આવડો મોટો પ્લાન્ટ ગેરકાયદે ચાલતો હોય તો તંત્ર તેના પર ધ્યાન આપતું નથી કે આપવા માગતું નથી!?

પ્રાપ્ત વિગત મુજબ, થોરીયાળી ગામ પાસે ગોમા નદીમાંથી રેતી કાઢી નદીના કાંઠે વિજયભાઈ ધીરૂભાઇ ડેરવાળીયા અને મૃતક ભરતભાઇ રૂગનાથભાઈ કોરડીયા(ઉ.વ.32) બન્ને ભાગીદારીમાં રેતી ધોવાનો પ્લાન્ટ ચલાવતા હતા. આ પ્લાન્ટ ગેરકાયદેસર રીતે ચાલતો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ અંગે સરકારી તંત્રને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાની લોકમુખે ચર્ચા છે.

આ બનાવમાં પ્લાન્ટ પર રેતી ભરેલું ટ્રેક્ટર ઠાલવવામાં આવી રહ્યું હતું. ત્યારે અચાનક ટ્રેક્ટરને બ્રેક ન લાગતા તે પ્લાન્ટના માલિક ભરતભાઇ રૂગનાથભાઈ કોરડીયા સાથે અથડાયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ભરતભાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં વીંછિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વીંછિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વીંછિયા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે. વીછિંયા પંથકમાં આવેલા થોરિયાળી ગામમાં ચાલતો આ રેતી ધોવાનો પ્લાન્ટ ગેરકાયદે હોવાનું લોક મુખે ચર્ચાય છે ત્યારે તંત્રે આ પ્લાન્ટની કાયદેસરતા ચકાસવી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *