રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીના તળિયા દેખાવા લાગતા અને અમૃત-2 યોજનાઓ માટે રૂ.200 કરોડની લોન લેવાની તૈયારી વચ્ચે હવે મહાનગરપાલિકાએ ‘નબળો ધણી બૈરી પર શૂરો’ વાળી કહેવતને સાર્થક કરતા હોય તેમ વેરા વસૂલાત માટે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે.
બજેટમાં મુકાયેલા રૂ.454 કરોડના આવક લક્ષ્યાંકને પૂર્ણ કરવા વેરા વિભાગે તઘલખી નિર્ણય લઈ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે. આ મુજબ જો કોઈ મિલકતધારક પાસે મિલકતવેરો અથવા પાણી ચાર્જિસના રૂ.5,000 કે તેથી વધુ બાકી હશે તો નળ જોડાણ કાપવા, મિલકત સીલ કરવા તેમજ હરાજી સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકાએ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર બાકીદારોની વિગતવાર યાદી ઓનલાઈન મુકીને સમયસર વેરા ભરપાઈ કરવાની કડક સૂચના આપી છે. રેસિડેન્શિયલ, કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રિયલ કેટેગરીની તમામ મિલકતોના એવા ધારકો જેમની મિલકતવેરા અને પાણી ચાર્જિસ મળીને રૂ.5,000 કે તેથી વધુ બાકી છે તેમની વિગતો www.rmc.gov.in પર જાહેર કરાઈ છે.
વેરા વિભાગે જણાવ્યું છે કે, બાકીદારોએ વેબસાઈટ પર પોતાની મિલકતની બાકી રકમની વિગતો તપાસી સત્વરે તમામ બાકી વેરાની તાત્કાલિક ભરપાઈ કરવી જરૂરી છે.
જો નિર્ધારિત સમયમાં ચૂકવણી નહીં થાય તો જી.પી.એમ.સી. એક્ટ–1949ની કલમ 128 હેઠળ મિલકત સીલ કરવી, નળ કનેક્શન કપાત કરવી તથા હરાજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાએ આ પગલાંને ગંભીરતાથી લેવા અને કોઈ અપ્રિય કાર્યવાહીથી બચવા બાકીદારોને તાકીદ કરી છે.