હાઉસિંગ બોર્ડે નિર્માણ કરેલા ડેરીલેન્ડના 696 અને આનંદનગરના 48 ક્વાર્ટર્સને સીલ મારી દેવાના મામલામાં અંતે સંસદસભ્ય રૂપાલાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી અસરગ્રસ્તો માટે યોગ્ય વિકલ્પ આપવા માંગ કરી હતી. અસરગ્રસ્તોને નવા મકાન મળે અથવા તો તેમને ભાડેથી રહેવા માટે મકાન સોંપવામાં આવે સહિતના વિકલ્પ પર મંથન કરી ગણતરીના દિવસોમાં એ દિશામાં ઉકેલ આવશે તેવા પ્રયાસો રૂપાલાએ શરૂ કર્યા છે.
હાઉસિંગ બોર્ડ નિર્મિત ડેરીલેન્ડના 696 ક્વાર્ટર્સ જર્જરિત હોવાની હાઉસિંગ બોર્ડે નોટિસ ફટકારી દીધી હતી અને 11 દિવસ પહેલાં મનપાએ તે તમામ ક્વાર્ટર્સને સીલ કરી પાણી અને વીજળીનું કનેક્શન કાપી નાખ્યું હતું. ચાર દિવસ પૂર્વે એજ રીતે આનંદનગરના 48 ક્વાર્ટર્સને પણ સીલ કરી દેવાયા હતા. આનંદનગરના કિસ્સામાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ સક્રિયતા દાખવી હતી અને તે ક્વાર્ટર્સધારકો આજે પણ તેમના ક્વાર્ટર્સમાં રહે છે, પરંતુ ડેરીલેન્ડના ક્વાર્ટર્સધારકોની મદદે કોઇ આવ્યું નહોતું.
આ ક્વાર્ટર્સધારકો તેમના વિસ્તારના ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ ત્યાંથી યોગ્ય પ્રતિસાદ નહીં મળતાં એ 696 ક્વાર્ટર્સનાધારકો રસ્તા પર રઝળી રહ્યા છે. રૂપાલાએ કહ્યું હતું કે, હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત જેટલા પણ ક્વાર્ટર્સ જર્જરિત બન્યા હોય તેને મનપા દ્વારા સીલ કરવામાં આવી રહ્યા છે. આવા ક્વાર્ટર્સને સીલ કરવાની યાદી હાઉસિંગ બોર્ડ દ્વારા જ મનપાને સોંપવામાં આવે છે અને મનપા તે મુજબ કાર્યવાહી કરે છે.