રાજકોટમાં રહેણાંક એપાર્ટમેન્ટના ગેટની બહાર રહેલું સબ સ્ટેશન 100 પરિવારો માટે માથાના દુખાવા સમાજ બન્યું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર બાલાજી કો-ઓપરેટીવ સોસાયટીનું અઢી વર્ષ પહેલા રૂડા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. જે સમયે બાંધકામ માટે જરૂરી સબ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જોકે, આ આવાસ યોજના નિર્માણ પામ્યાને અઢી વર્ષ થઈ ગયા બાદ પણ રૂડા દ્વારા સબ સ્ટેશન હટાવવા માટે અરજી કરવામાં ન આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ બાબતે PGVCLએ ખુલાસો કર્યો છે કે, સબ સ્ટેશન હટાવવા માટે સ્થાનિકોએ કોર્પોરેશનમાં અરજી કરવાની હોય છે અને ત્યારબાદ ઇન્સ્પેક્શન પછી સબ સ્ટેશન દૂર થઈ શકે.
શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર બાલાજી કો-ઓપરેટીવ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અહીં ગેટની બહાર જ પીજીવીસીએલનું સબ સ્ટેશન છે. જે અહીં રહેતા લોકોને નડતરરૂપ થાય છે. આ બાબતે ઘણી બધી અરજીઓ કરવામાં આવી છે, પરંતુ છતાં કોઈના દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. જ્યારે આ આવાસ યોજના બની રહી હતી, ત્યારે ટેમ્પરરી સબ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જોકે હાલ આ સબ સ્ટેશન બંધ હાલતમાં છે. અગાઉ એક વખત સબ સ્ટેશનમાં પાવર આવી જવાથી થોડી જાનહાનિ પણ થઈ હતી. જેથી હવે અમે સરકારને રજૂઆત કરશું કે અહીંના લોકોની સમસ્યા દૂર કરવામાં આવે.