રાજકોટ શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓ ધક્કામુકી કરી ઉલ્ટી કરવાના બહાને મુસાફરોના ખિસ્સા હળવા કરી નાસી છૂટતી ગેંગે કેટલાય લોકોના ખિસ્સા હળવા કર્યા છે ત્યારે હવે રિક્ષા નહીં પરંતુ, ઇક્કો ગાડીમાં બેસાડી મુસાફરોના ખિસ્સામાં રૂપિયા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. રાજનગર ચોક પાસે ઈક્કોમાં બેસેલા પ્રૌઢના ખિસ્સામાથી પૈસા કાઢી લીધાનો બનાવ સામે આવતાં માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના જીવરાજપાર્ક સીતાજી ટાઉનશીપમાં રહેતા અને નિવૃત જીવન જીવતા રમેશભાઈ લક્ષમણભાઈ પાલા (ઉ.વ.55) નામના પ્રૌઢ બે દિવસ પહેલા લક્ષ્મીનગર PGVCL ઓફિસેથી વીજબીલ ભરીને ચાલીને જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ઇક્કો કાર આવી ઉભી રહી હતી અને ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલા વ્યક્તિએ કાકા કેમ ચાલી ને જાવ છો, આમા બેસી જાવ કહી તેની બાજુમાં આગળ બેસાડ્યા હતા થોડે આગળ ઇકો જતા જ બાજુમાં બેઠેલો શખ્સ ઉલ્ટી ઉબકા કરવા લાગ્યો હતો. આથી ડ્રાઈવરે તે વ્યક્તિની તબિયત ખરાબ થઈ ગઈ છે તેમ કહી પ્રૌઢને નીચે ઉતરી જવા કહ્યું હતું.