છોટા ઉદેપુરના દડી ગામે આજે સવારે રીંછે ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. જેમાં પહેલાં આધેડને ઘાયલ કરી રીંછ કુવામાં પડ્યું હતું. જે બાદ જાતે જ કુવામાંથી બહાર આવી એક યુવાન અને 9 વર્ષીય બાળકી પર તુટી પડ્યું હતું. લોકો “એ… રીંછ આવ્યું ભાગો ભાગો”ની બૂમો પાડી રહ્યા હતા. આ ઘટના કેમેરીમાં કેદ થઈ હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
છોટા ઉદેપુર જિલ્લામાં વન્ય પ્રાણીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેને લઇને પાણી અને ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં ધસી આવે છે. ત્યારે આજે છોટા ઉદેપુરના દડી ગામ ખાતે સવારે 10 વાગ્યાની આસપાસ રીંછે ત્રણ લોકો ઉપર હુમલો કરતાં ઘાયલ તમામને છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.