રિલાયન્સ જિયો ભારતીય ઇતિહાસનો સૌથી મોટો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, જો જિયો તેનો 5% હિસ્સો પણ વેચે છે, તો તે લગભગ 58,000 થી 67,500 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી શકે છે.
જો આવું થાય છે, તો તે હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા પછીનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. ઓક્ટોબર 2024માં હ્યુન્ડાઇનો IPO રૂ. 27,870 કરોડનો હતો. આ રીતે, રિલાયન્સ જિયોનો IPO હ્યુન્ડાઇના ઇશ્યૂ કરતા બમણાથી વધુ હોઈ શકે છે.
રિલાયન્સ જિયોનો IPO આવતા વર્ષે જૂન સુધીમાં આવશે
ભારતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોનો IPO આવતા વર્ષે જૂન સુધીમાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને MD મુકેશ અંબાણીએ શુક્રવારે 48મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ જાહેરાત કરી હતી. આ IPO વૈશ્વિક સ્તરે શેરધારકો માટે મૂલ્ય અનલોક કરશે.
વેલ્યૂએશન ₹ 13.5 લાખ કરોડ સુધી પહોંચી શકે છે
રિલાયન્સ જિયો ભારતના ટેલિકોમ ક્ષેત્રની સૌથી મોટી ખેલાડી બન્યાના એક દાયકા પછી આ IPO લાવી રહી છે. આ ઇશ્યૂના લિસ્ટિંગ સાથે, કંપનીની વેલ્યૂએશન લગભગ $154 બિલિયન એટલે કે આશરે રૂ. 13.5 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે લિસ્ટિંગ સમયે Jioનું મૂલ્ય $154 બિલિયન સુધી થવાનો અંદાજ લગાવ્યો છે. જેફરીઝે તેનું મૂલ્ય $146 બિલિયન, મેક્વેરી $123 બિલિયન અને MK $121 બિલિયન હોવાનો અંદાજ લગાવ્યો છે.