રિક્ષા ગેંગે મુસાફરના ખિસ્સામાંથી રૂ.7500ની મતાનું પર્સ સેરવી લીધું

ઓમ તિરુપતિ બાલાજી સોસાયટીમાં રહેતા અને રૂમ સ્પ્રે પરફ્યુમનું ટ્રેડિંગનું કામ કરતા નયન રામાણીએ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. નયન રામાણીએ જણાવ્યું હતું કે, ગત તા.18ના સવારે પોતે કામ સબબ માલવિયા કોલેજ ફાટક નજીક ગયો અને કામ પતાવી પોતાની ઘરે જવા રિક્ષામાં બેઠો હતો.

રિક્ષામાં અગાઉથી બે શખ્સ મુસાફરના સ્વાંગમાં બેઠા હતા. રિક્ષા અટિકા ફાટક તરફ ચાલતી હતી ત્યારે એક શખ્સે ઊલટી ઉબકાના નાટક કરી રિક્ષાની બહાર મોઢું કાઢતો હતો અને ધક્કામુક્કી કરતો હતો. નયને રિક્ષા ઊભી રાખવાનું કહ્યું હતું, પરંતુ ચાલકે તે વાત ધ્યાને લીધી નહોતી. થોડીવાર બાદ રિક્ષા ઊભી રાખી દેવાતા નયન નીચે ઉતરતા જ ચાલકે રિક્ષા હંકારી મૂકી હતી. શંકા જતાં નયને પેન્ટના પાછળના ખિસ્સામાં રાખેલા પર્સની તપાસ કરતાં પર્સ ગાયબ હતું. રિક્ષા ગેંગે પર્સ સેરવી લીધાનું સ્પષ્ટ થતાં નયને દેકારો કરી દોટ મૂકી હતી, પરંતુ ચાલકે રિક્ષા ભગાવી દેતા રિક્ષાના નંબર નોંધી શક્યો નહોતો. પર્સમાં રૂ.7500, લાઇસન્સ, આધારકાર્ડ સહિતના પુરાવા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *