મુસાફરોને બેસાડી ખિસ્સા હળવા કરતી રિક્ષા ગેંગે કોઠારિયા રોડ પરથી એક મુસાફરને રિક્ષામાં બેસાડ્યો હોવાની માહિતીને આધારે ભક્તિનગર પોલીસે સ્વિમિંગ પૂલ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા બે મહિલાઓ સહિત ચાર શખ્સને પકડી લઇ તેની આકરી પૂછતાછ કરતા તેને તાલુકા પોલીસ વિસ્તારની ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસે બે મહિલા સહિત ચારની ધરપકડ કરી તેની પાસેથી રિક્ષા, મોબાઇલ કબજે કરી વધુ ચોરીના ભેદ ઉકેલવા કાર્યવાહી કરી છે.
પીએસઆઇ ગોહિલ સહિતના સ્ટાફે કોઠારિયા રોડ પરથી માહિતીને આધારે શંકાસ્પદ રિક્ષા અટકાવી પૂછતાછ કરતા રૈયાધાર પાસે રહેતો ભાવેશ ચંદુભાઇ પરમાર, માલધારી સોસાયટીમાં રહેતો કિશન મગનભાઇ ડાભી, ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી બેનાબેન રાહુલભાઇ દંતાણી અને હિના ધર્મેશભાઇ જાદવ હોવાનું જણાવતા પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી આધાર પુરાવા વગરનો એક મોબાઇલ મળી આવતા પોલીસે ચારેયની અટકાયત કરી હતી.