શહેરમાં પોલીસનું કોઇ અસ્તિત્વ જ ન હોય તેમ ગુનેગારો બેકાબૂ બન્યા હોય તેમ ગોંડલ રોડ પર પુનિતનગર પાસે રાત્રીના રિક્ષા લઇને નીકળેલા કેટરર્સના ધંધાર્થીને આંતરી બે મહિલા સહિત ચાર શખ્સે મારકૂટ કરી મોબાઇલ, રોકડની લૂંટ ચલાવી નાસી ગયાની ફરિયાદ કરતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી માહિતીને આધારે બે મહિલાને સકંજામાં લઇ તેની પૂછતાછ કરી વધુ બે શખ્સને પકડી લેવા કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે શિવધામમાં રહેતા અને કેટરર્સનું કામ કરતા મહેન્દ્રભાઇ ભીખુભાઇ સરસિયા બુધવારે રાત્રીના ગોંડલમાં તેનું કેટરર્સનું કામ પતાવીને રિક્ષામાં તેની સાથે ચંદુભાઇ અને કેટરર્સના કારીગરોને બેસાડી રાજકોટ આવ્યા હતા અને બધાને પુનિતનગર પાસે ઉતારીને ભજિયાંના કારીગરને તેડવા જતા હતા ત્યારે પુનિતનગર પાસે બે મહિલાએ હાથ ઊંચો કરતા તેને રિક્ષા ધીમી પાડતા બન્ને મહિલા રિક્ષામાં બેસી ગઇ હતી. જેથી તેની સાથે વાત કરે તે પહેલાં એક મહિલાએ તેનો મોબાઇલ પડાવી લીધો હતો. ત્યાર બાદ બે શખ્સ દોડીને આવી તેની સાથે મારકૂટ કરી હતી અને તેના શર્ટના ખિસ્સામાંથી રૂ.1700ની રોકડ કાઢી લઇ લીધી હતી બાદમાં બધા નાસી છૂટ્યા હતા.
બનાવને પગલે તેનો શર્ટ ફાટી ગયો હોય તેને તેના મિત્ર ચંદુભાઇને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ કરતા માલવિયાનગર પોલીસ મથકના જમાદાર ચાવડા સહિતે લૂંટ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમિયાન પોલીસે માહિતીને આધારે બે મહિલાઓને ઉઠાવી લઇ તેની આકરી પૂછતાછ કરી વધુ બે શખ્સને પકડી લેવા કાર્યવાહી કરી છે.