રિક્ષાગેંગ બેકાબૂ : વૃદ્ધાની નજર ચૂકવી ચેઇન અને રોકડ ભરેલા પર્સની ચોરી

શહેરમાં પોલીસના ગુનાખોરી અટકાવવાના અભિયાન વચ્ચે બેકાબૂ બનેલી રિક્ષાગેંગએ મોરબી રહેતા વૃદ્ધાને શિકાર બનાવી સોનાનો ચેઇન અને રોકડ ભરેલા પર્સ સહિત ત્રણ લાખની મતાની કોઇ શખ્સો ચોરી કરી ગયાની ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી રિક્ષાચાલકને સકંજામાં લઇ બે બુકાનીધારી મહિલા સહિત ત્રણ શખ્સોને પકડી લેવા કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીમાં લખધીરવાસ પાસે શાસ્ત્રી શેરીમાં રહેતા ઇલાબેન વસંતભાઇ રાચ્છ (ઉ.66) એ ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, રાજકોટમાં સંતકબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા તેના બહેન મીનાબેનના ઘેર છઠ્ઠીનો પ્રસંગ હોય રાજકોટ આવ્યા હતા અને ત્રિકોણબાગ ખાતે બસમાંથી ઉતરી તેના બહેન નીલાબેન હસમુખભાઇ કોટેચા (રહે.રાજકોટ સંતોષ પાર્ક ) સાથે રિક્ષામાં બેસીને શકિત સોસાયટીમાં જવા માટે નીકળ્યા હતા. દરમિયાન થોડે આગળથી બે બુકાનીધારી મહિલાઓ પણ રિક્ષામાં બેઠી હતી અને હોસ્પિટલ ચોક પાસેથી એક પુરૂષ પણ રિક્ષામાં બેઠો હોય અને પારેવડી ચોક પાસે પુરૂષ ઉતરી ગયો હતો અને અમને શક્તિ સોસાયટીમાં ઉતારી રિક્ષાચાલક ચાલ્યો ગયો હતો.

બાદમાં તેઓ બન્ને બહેનો તેના બહેનના ઘેર પહોંચ્યા હતા. ત્યારબાદ ગળામાં ધ્યાન જતા તેને પહેરેલ સોનાનો ચેઇન જોવામાં નહીં આવતા તપાસ કરી હતી. જેમાં તેને રૂ.ત્રણ હજારની રોકડ ભરેલ પર્સ ગુમ હોય ફરિયાદ કરી હોવાનું જણાવતા પીએસઆઇ રાણા સહિતના સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમિયાન પોલીસે ત્રિકોણબાગ પાસેથી રિક્ષા ચાલકને સકંજામાં લઇને તેની પૂછતાછ કરી હતી જેમાં તેને તેની રિક્ષામાં મુસાફરી કરતી બે બુકાનીધારી મહિલાઓ વિશે કંઇ નહી જાણતા હોવાનું રટણ કરતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *