રાષ્ટ્રીય મહિલા આયોગની બેઠક યોજાઈ, સૌરાષ્ટ્રના છ જિલ્લાઓની સમીક્ષા કરાઈ

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજ્યા રહાટકરના નેતૃત્વ હેઠળ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના છ જિલ્લાની એસમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહિલાલક્ષી કાયદાઓ અને યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન રાજકોટ અને બોટાદ જિલ્લાની મહિલાઓના હિતમાં કરવામાં આવેલી વિશેષ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં ડ્રોપ આઉટ થયેલી દીકરીઓને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટે શરૂ કરાયેલી “નવી દિશા, દીકરી આગળ વધો” પહેલને બિરદાવવામાં આવી હતી.

આ સાથે જ રાજકોટમાં બનનાર વર્કિંગ વુમન હોસ્ટેલ માટે પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ઉપરાંત, બોટાદ જિલ્લામાં લગ્નને લગતી સમસ્યાઓ માટે શરૂ કરાયેલી ‘તેરે મેરે સપને’ પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ પહેલની પણ સરાહના કરવામાં આવી હતી. આયોગના અધ્યક્ષે મહિલાઓ માટે કાર્યરત યોજનાઓ અને કાયદાઓની અમલવારીની સમીક્ષા કરી, જેમાં પોલીસની ભૂમિકા, કલ્યાણકારી યોજનાઓ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણની કામગીરીનો સમાવેશ થાય છે. તેણે પોલીસની કામગીરી, સાઇબર ક્રાઇમ, જાતીય સતામણી અને અપહરણ જેવા ગુનાઓ સામે લેવાયેલા પગલાંની પણ સમીક્ષા કરી હતી તેમજ ગુજરાત સરકારની ‘કન્યા કેળવણી’ અને ‘વ્હાલી દીકરી યોજના’ જેવી યોજનાઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *