દેશભરમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ આજના આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદનની સાથે સાથે પોલીસ પરેડ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતાં.
જેમાં કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા બાદ વળતા જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલ ઓપરેશન શિંદુર થીમ પર ડાન્સ સાથે ડ્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. આ સાથે પોલીસ કમિશનર દ્વારા રાજકોટ વાસીઓંને પણ પોલીસ કાયદાનું પાલન કરાવનાર સંસ્થા નહિ પણ પોલીસને સમાજનો જ અંગ સમજી સાથે મળી રાજકોટના વિકાસમાં ફાળો આપીએ એવી અપીલ કરી હતી.
રાજકોટનાં પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અલગ અલગ પ્લાટૂનમાં પોલીસ જવાનો તેમજ સ્ટુડન્ટ કેડેટ દ્વારા પરેડ કરવામા આવી હતી. આ તકે પરેડમાં જોડાયેલા અલગ અલગ ટેબ્લોમાં વાહનો ચલાવતા સમયે મોબાઈલ પર વાત ન કરવા, સાયબર ક્રાઇમથી એલર્ટ રહેવા ઉપરાંત મદ્યપાન કરી વાહન ન ચલાવવા, સીટ બેલ્ટ ફરજિયાત બાંધવા સહિતનાં સ્લોગન દર્શાવવામાં આવ્યાં હતાં.