ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 373 બાળકો સહિત કુલ 873 મુલાકાતીઓએ બાપુના જીવન દર્શનને જાણ્યું હતું. બાળકોને આ દિવસે વિનામૂલ્યે પ્રવેશ અપાયો હતો. કોર્પોરેશન અને પ્રવાસન નિગમના ઉપક્રમે ગાંધી ધુન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેને સંબોધતા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો જેવા કે, ટીકીટ વિન્ડો, કલોકરૂમ, મુલાકાત માટે ગાઈડની સુવિધા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ગાર્ડન, લાયબ્રેરી, વી.આઈ. પી.લોંજ, કોન્ફરન્સ રૂમ, એક્ઝીબીશન હોલ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરરોજ રાત્રે 7 કલાકે ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરવામાં આવે છે. દર વર્ષે 26 જાન્યુઆરી, 30 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 2જી ઓક્ટોબર નિમિતે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. વિવિધ ક્ષેત્રના આઠ મહાનુભાવો નિલેશભાઈ પંડ્યા (લોક સાહિત્ય), મહેન્દ્રભાઈ જોશી (સાહિત્ય), તક્ષ મિશ્રા (સેવા), નિર્લોક પરમાર (નાટ્ય), લીલાબેન પટેલ (સંગીત), ગીતાબેન ગીડા (નારી ઉત્થાન), મનસુખભાઈ પાણ (ઉદ્યોગ), જ્યોતીન્દ્રભાઈ મહેતા (સહકાર)નું શિલ્ડ આપી સન્માન કરાયું હતું.