રાષ્ટ્રપતિનું સિંહદર્શન બાદ સિંહ સદનમાં રાત્રિ રોકાણ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે બીજા દિવસે રાષ્ટ્રપતિએ સવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. ત્યાર બાદમાં સાસણ ગીરમાં સિંહદર્શન કરવા પહોંચ્યા હતાં. સફારી પાર્કની મુલાકાત બાદ ગીરમાં વસવાટ કરતી આદિવાસી મહિલાઓને મળ્યા હતા. રાષ્ટ્રપતિ રાત્રિરોકાણ સાસણમાં જ કરવાના છે. જ્યારે આવતીકાલે સવારે દ્વારકા જવા રવાના થશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રપતિની મુલાકાતના પગલે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે.

સાસણ નજીક ભાલછેલ હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિનું સ્વાગત કરાયું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સોમનાથથી હેલિકોપ્ટર મારફતે સાસણ પહોંચ્યા હતા. જૂનાગઢ જિલ્લાના સાસણ નજીક આવેલા ભાલછેલ હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવકુમાર, વન વિભાગના મુખ્ય વન સંરક્ષક ડો. એ.પી. સિંઘ, કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારી સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ દ્રૌપદી મુર્મૂ બપોરે 4 વાગ્યા આસપાસ સાસણ ગીર ખાતેના સિંહ સદન પહોંચ્યા હતા. જ્યાં અડધો કલાક રોકાયા બાદ તેઓ સિંહ દર્શન માટે સફારી પાર્ક રવાના થયા હતા. આ દરમિયાન તેમની સાથે વન મંત્રી મુળુભાઈ બેરા પણ સિંહ દર્શન માટે રવના થયા હતા. ભભા ફોલ નાકાથી રાષ્ટ્રપતિએ ખુલ્લી જિપ્સીમાં ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્સ્યુરીના સફારી પાર્કમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેમણે કૃદરતી વાતાવરણમાં એશિયાઇ સિંહોના દર્શન કર્યા અને ગીરના સમૃદ્ધ જૈવિક વૈવિધ્યનો અનુભવ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *